મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ આપાતકાલ-અકસ્માત જેવી ઘટનાઓમાં તત્કાલ આરોગ્ય સેવા મદદ માટે ટેકનોલોજીના વિનિયોગથી ૧૦૮ મોબાઇલ એપ્લીકેશનનું લોચીંગ કરાવતાં સ્પષ્ટપણે કહ્યું કે, ગુજરાતનો આ નવો આયામ ‘પ્લેટિનમ અવર’માં અમૂલ્ય માનવ જીવન બચાવવાનો સક્ષમ પર્યાય બનશે.
વિજયભાઇ રૂપાણીએ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલની પ્રેરક ઉપસ્થિતીમાં ૧૦૮ મોબાઇલ એપ લોન્ચીંગ સાથે જ સાગરખેડૂ-બંધુઓને સારવાર સુવિધાની ૧૦૮ બોટ એમ્બ્યુલન્સ તેમજ નવી ૧૦ ૧૦૮ એમ્બ્યુલન્સવાનનો પ્રજાપર્ણ કર્યો હતો.
મુખ્યમંત્રીએ ઉમેર્યુ કે, આ ૧૦૮ મોબાઇલ એપ્લીકેશનમાં પાંચ મોડયુલ છે અને તે ઇન્ટીગ્રેટેડ હોવાથી અકસ્માત, ઇજા કે અન્ય આપાતકાલમાં વાતચીત-પેપર વર્કનો તેમજ સારવાર સ્થળ સુધી પહોચાડવાનો જે સમય જાય છે તે નિવારી શકાશે.
૧૦૮ મોબાઇલ એપમાં સિટીઝન મોડયુલ ડાઉનલોડ કરવાથી આપાતકાલમાં થનારા ફાયદાઃ-
Ø મોબાઇલ એપ્લીકેશન મારફતે જો કોઇ ઘટના સ્થળેથી કોલ કરે તો કોલ કરનારનું ચોક્કસ સ્થળ ઇમરજન્સી રીસ્પોન્સ સેન્ટર ખાતે તુરંત જ ગુગલના નકશાના લેટ લોંગ સાથે મળી જશે, જેથી ટેલીફોન ઓપરેટર દ્વારા ઘટના સ્થળ વગેરેની માહિતી મેળવવાના સમયનો બચાવ થશે.
Ø કોલ કરનાર વ્યકિત ઘટના સ્થળે આવી રહેલ ૧૦૮ એમ્બ્યુલન્સનો પહોંચવાનો અંદાજીત સમય તેમજ કયાં પહોંચી છે તેની રીયલ ટાઇમ માહિતી મેળવી શકશે.
Ø ૧૦૮ મોબાઇલ એપ્લીકેશનના માધ્યમથી કોલ કરનાર વ્યકિત ઘટના સ્થળની નજીકમાં આવેલ સરકારી કે ખાનગી હોસ્પીટલ તેમજ બ્લડ બેંકની જાણકારી મેળવી શકશે.
Ø આ માહિતીને આધારે નજીકની યોગ્ય હોસ્પિટલમાં દર્દી કે ઇજાગ્રસ્ત વ્યકિતને લઇ જવો તે નિર્ણય કરવામાં મદદરૂપ બનશે.
તેમજ દર્દીને જે હોસ્પિટલમાં દાખલ કરેલ છે તે હોસ્પિટલ લોકેશન સાથે માહિતી એપ્લીકેશન થકી દર્દીના સગા વ્હાલાને ત્વરીતમોકલી શકાશે. જેથી હોસ્પિટલનું એડ્રેસ લખાવાનો તેમજ શોધવાના સમયનો બચાવ થશે.
વિજયભાઇ રૂપાણીએ રાજ્યના હરેક નાગરિકને આ ૧૦૮ મોબાઇલ એપ ડાઉનલોડ કરી લેવાની હાર્દભરી અપિલ કરતાં ઉમેર્યુ કે,ઇમરજન્સીના સમયે આખી મેડિકલ સેવાઓ નાગરિકોની મૂઠીમાં હોય તેવી નેમ આ લોકોપયોગી એપ્લીકેશનની છે.
તેમણે એમ પણ જણાવ્યું કે, રાજ્યની ચાર હજાર હોસ્પિટલો આ એપ્લીકેશન સાથે ઇન્ટરલીન્કડ હોવાથી ઘટના સ્થળની નજીકના સ્થળની સરકારી-ખાનગી સારવાર સુવિધા, બ્લડ બેન્ક જેવી આવશ્યક સેવાઓની યાદી તૂર્ત જ ઉપલબ્ધ થવાથી યોગ્ય નિર્ણય લઇ સારવાર માટેની વ્યવસ્થા કરવામાં અગ્રતા રહેશે. રાજ્યના સૌ નાગરિકોની મેડીકલ હિસ્ટરી પણ સ્માર્ટ ફોનમાં ડેટારૂપે ઉપલબ્ધ બનાવી પેપરલેસ હેલ્થ ફેસેલીટીની નેમ દર્શાવી હતી. રાજ્યમાં પ્રતિવર્ષ ૭ થી ૮ હજાર લોકો અકસ્માતમાં જીવ ગુમાવે છે. આ આંકડો ઘટાડી શકાય તેવા ભાવથી ૧૦૮ સેવાઓમાં ટેકનોલોજી ઉપયોગ સહિતના નવા આયામો જોડયા છે.