મગળવારે દિલ્હીમાં કેટરિંગ અને મંડપની સુવિધા આપતી ત્રણ મોટી કંપનીઓ પર આવકવેરા વિભાગે દરોડા પાડયા હતાં. આ દરોડામાં ૧૦૦ કરોડ રૂપિયાની કરચોરી પકડાઇ છે.
છેલ્લા ૬ દિવસમાં આ ત્રણ કંપનીઓના ૪૩ સંકુલોમાં દરોડા પાડવામાં આવ્યા હતાં. આ દરોડા દરમિયાન ૧.૮૨ કરોડ રૃપિયાની રોકડ અને ૨.૪ કરોડ રૂપિયાની જવેલરી જપ્ત કરવામાં આવી છે. આવકવેરા વિભાગને આ દરોડા દરમિયાન જાણવા મળ્યું હતું કે કેટરિંગ અને મંડપની સુવિધા આપતી આ કંપનીઓ મોટે ભાગે રોકડમાં લેવડદેવડ કરતી હતી.
રોકડ વ્યવહારોના કેટલાક પુરાવા જપ્ત કરી લેવામાં આવ્યા છે. આવકવેરા વિભાગના એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર આ કંપનીઓ છેલ્લા ઘણા વર્ષોથી વેચાણ અને સર્વિસ ચાર્જના આંકડાઓ છૂપાવતા હતાં. આ કંપનીઓના ઓપરેટરોના ૧૫ બેંક લોર્ક્સ પણ સીલ કરી દેવામાં આવ્યા છે. આ ત્રણ કંપનીઓ ૧૦૦ કરોડનું કાળું નાણું ધરાવતા હોવાની શંકા છે. આ ત્રણ કંપનીઓના ઓપરેટરોએ શેલ કંપનીઓ પાસેથી ખરીદીના બોગસ બિલો રજૂ કર્યા હતાં.
આવકવેરા વિભાગ આ ત્રણ કંપનીઓની સર્વિસ લેનારા હાઇ પ્રોફાઇલ ગ્રાહકોની પણ તપાસ કરી રહ્યું છે. આવા ગ્રાહકો દ્વારા રોકડમાં આટલી મોટી રકમ કેવી રીતે ચૂકવવામાં આવી તેની પણ તપાસ કરવામાં આવી રહી છે.