૨૦૧૭ના વર્ષમાં બ્લ્યૂ વ્હેલ ગેમ દ્વારા સમગ્ર વિશ્વમાં આતંક ફેલાવવામાં આવ્યો. ભારતમાં પણ તે ગેમનો શિકાર બનેલાઓના કિસ્સાઓ સામે આવ્યા હતા. ત્યારે ભુજની માતૃછાયા કન્યા શાળાની ધોરણ ૧૦માં અભ્યાસ કરતી ૧૦ વિદ્યાર્થિનીઓએ હાથ તથા પગ પર કાપા મારેલા હોવાનો કિસ્સો પ્રકાશમાં આવતા ચકરાર મચી ગઇ છે.
આ ઘટના બ્લ્યૂ વ્હેલ ગેમનાં સંદર્ભમાં ઘટી હોય તેવી શક્યતાઓ સેવાઇ રહી છે, પરંતુ અત્યાર સુધી આ સમગ્ર ઘટના વિશે રહસ્ય અકબંધ રહ્યું છે. ક્લાસરૂમમાં વિદ્યાર્થિનીના હાથ પર બ્લેડ વડે ચેકો મારેલો જોવા મળ્યા બાદ આ ઘટના વિશે શિક્ષિકાને જાણ થઇ હતી, ત્યારબાદ અન્ય વિદ્યાર્થિનીઓના હાથ અને પગ બેલ્ડથી કાપા મારેલા જોવા મળ્યા હતા.
આ ઘટનાની ગંભીરતા જોતા જિલ્લા શિક્ષણ અધિકારીને જાણ કરવામાં આવી છે અને આ ડીઇઓ દ્વારા તપાસના આદેશ પણ આપવામાં આવ્યા છે કે કયા કારણોસર એક સાથે દસ વિદ્યાર્થિનીઓ સાથે આ ઘટના ઘટી?
શાળા તરફથી કહેવામાં આવ્યું છે કે આ ઘટના શાળામાં બની હોય તેવું કહી શકાય નહિ કારણ કે આ શાળામાં મોબાઇલ ફોન લાવવા પર પ્રતિબંધ છે. પરંતુ બીજી તરફ જોતા એવું લાગી રહ્યું છે શાળાની બેંચ પરથી બ્લેડ મળી આવી હતી, ત્યારે આ ઘટના ઘટ્યા પાછળનું કારણ વધુ પેચીદુ બની રહ્યું છે.