કોલકાતા: પશ્ચિમ બંગાળના પાટનગર કોલકાતાના માઝેહાટમાં એક પુલ ધરાશાયી થતાં એકનું મોત થયું છે અને અનેક લોકો દટાઈ ગયા હોવાના અહેવાલ મળ્યા છે. આ બનાવ અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ચિંતા વ્યક્ત કરી છે. બીજી બાજુ આ પુલ ધરાશાયી થવાને લઇને રાજનીતિ શરૂ થઇ ચુકી છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમ બચાવ અને રાહત કામગીરીમાં જાડાઈ ગઇ છે. બચાવ અને રાહત કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી ચુકી છે.
બીજી બાજુ મુખ્યમંત્રી મમતા બેનર્જીએ બચાવ અને રાહત કામગીરીની સાથે સાથે તપાસના પણ આદેશ આપ્યા છે. ભાજપે આ મામલામાં પશ્ચિમ બંગાળની મમતા સરકાર ઉપર આકરા પ્રહારો કર્યા છે. ભાજપ સાંસદ રુપા ગાંગુલીએ એક ટીવી ચેનલ સાથેની વાતચીતમાં કહ્યું છે કે, મમતા બેનર્જીની સરકાર આ દુર્ઘટનામાં થયેલા નુકસાનને ઓછું કરીને રજૂ કરશે. મમતા બેનર્જીને માત્ર મુખ્યમંત્રીની ખુરશીથી મતલબ છે. પુલની નજીક નિર્માણ કામગીરી ચાલી રહી હતી.
આ પુલ બેહાલા અને ઇકબાલ વિસ્તારને પારસ્પરિકરીતે જાડે છે. વરસાદના લીધે આ બનાવ બન્યો હોવાના અહેવાલ મળી રહ્યા છે. મમતા બેનર્જી હાલમાં કોલકાતામાં નથી. દાર્જિલિંગમાં છે. મમતા બેનર્જીએ પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે, તે હાલમાં કોલકાતામાં નથી પરંતુ બનાવને લઇને ચિંતાતુર છે. બનાવ અંગે તમામ માહિતી મેળવી રહી છે. ૨૦૧૬માં પણ આવી જ દુર્ઘટના બની હતી જ્યારે વિવેકાનંદ ફ્લાયઓવર ધરાશાયી થયો હતો.