૨૧ જૂન એટલે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ભારત સહિત સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં સુરતે આજે ઇતિહાસ રચ્યો છે. રાજ્યકક્ષાની યોગ દિનની ઉજવણી સુરતમાં કરવામાં આવી હતી. જેમાં ૧.૫૦ લાખથી વધુ લોકોએ એક સાથે એક સ્થળે ઉપસ્થિત રહી યોગાભ્યાસ કરી વિશ્વ વિક્રમ સર્જ્યો છે. સુરતે સૌથી મોટી સંખ્યામાં એક સાથે યોગા કરી ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું. સુરતમાં રાજ્યકક્ષાના વિશ્વ યોગ દિવસની ઉજવણી આયોજન કરવામાં આવ્યું હતું.
સુરતના વાય જંક્શન ખાતે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ પ્રધાન હર્ષસંઘવીની અધ્યક્ષતામાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવી. આ ઉજવણીમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ સહિતના રાજકીય તેમજ સામાજિક આગેવાનો જોડાયા હતા. શહેરની શાળા કોલેજના વિધાર્થીઓ, શિક્ષકો, શહેરીજનો તેમજ અલગ અલગ વ્યવસાય સાથે જોડાયેલા નાગરિકો અને ગૃહિણીઓ મળી કુલ ૧.૫૦ લાખથી વધુ લોકો યોગ દિવસની ઉજવણીમાં સહભાગી બન્યા હતા.સુરતના વાય જંકશનથી લઈને SVNIT સર્કલ સુધી ૧.૫૦ લાખથી વધુ લોકોએ એકસાથે યોગા કર્યા હતા અને ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પ્રાપ્તત કર્યું હતું. આ પહેલા ૧.૦૯ લાખ સાથે જયપુરના નામે રેકોર્ડ હતો.
સુરતના મગદલ્લા ભાઈ જંકશનથી SVNIT સર્કલ અને બ્રેડલાઈનર સર્કલ સુધી ૧૨ કિલોમીટરના રૂટ પર કાર્યક્રમનું આયોજન કરાયું હતું. યોગાભ્યાસમાં ભાગ લેવા માટે ૪૨ શાળાના ૨૦ હજારથી વધુ બાળકો વહેલી સવારથી કાર્યક્રમ સ્થળ પર પહોંચી ગયા હતા. આ ઉપરાંત ગૃહિણીઓ તેમજ અલગ અલગ વ્યવસાય સાથે જોડાયેલા નાગરિકો સહિત શહેરના નાના મોટા દરેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત વિદેશી મહેમાનો અને દિવ્યાંગ બાળકોએ પણ યોગા કરી આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. કાર્યક્રમની તૈયારીના ભાગરૂપે સુરત મહાનગરપાલિકા અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ૧૨૫ બ્લોગ બનાવવામાં આવ્યા હતા જેમાં અલગ અલગ બ્લોગ પર એલઇડી સ્ક્રીન સ્પીકર સહિતની સુવિધા કરવામાં આવી હતી.