નવીદિલ્હી: રોજગારીને લઇને હોબાળો મચેલો છે ત્યારે સીએસઓના રિપોર્ટમાં મોદી સરકારને મોટી રાહત મળે તેવા આંકડા જણાવવામાં આવ્યા છે. જુલાઈ મહિનામાં રોજગારની આશરે ૧૪ લાખ નવી તકો સર્જાઈ છે. આ આંકડો છેલ્લા ૧૧ મહિનાના ગાળામાં સૌથી વધારે છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, હવે સપ્ટેમ્બર ૨૦૧૭થી એમ્પ્લોઇઝ સ્ટેટ ઇન્સ્યોરન્સ કોર્પોરેશનના નવા ગ્રાહકોની સંખ્યા ૧.૩૪ કરોડ થઇ ગઇ છે. આ વર્ષે જુલાઈ મહિનામાં એમ્પ્લોઇઝ સ્ટેટ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન તરફથી શરૂ કરવામાં આવેલી આરોગ્ય વિમા યોજનાથી ૧૩.૯૭ લાખ નવા સભ્યો જાડાઈ ગયા છે. સીએસઓ રિપોર્ટ મુજબ માસિક આધાર પર આ સંખ્યા સપ્ટેમ્બર ૨૦૧૭થી હજુ સુધી કોઇપણ એક મહિનામાં સૌથી વધારે છે.
આ રિપોર્ટ ઇએસઆઈસી, એમ્પ્લોઇઝ પ્રોવિડંડ ફંડ, પેન્શન ફંડ અને વિકાસ ઓથોરિટીની સામાજિક સુરક્ષા સંસ્થાઓમાં નોંધાયેલા નામ ઉપર આધારિત છે. આંકડાથી સંકેત મળે છે કે, જુલાઈમાં જે લોકોના ઇન્સ્યોરન્સ થયા છે અથવા તો ઇએસઆઈસીમાં નોંધાયેલા વર્કરોની સંખ્યા ૨.૭૭ કરોડ હતી જે સપ્ટેમ્બર ૨૦૧૭ની ૨.૯૫ કરોડની સંખ્યાથી થોડીક ઓછી સંખ્યા છે. દર એવી સંસ્થા એમ્પ્લોઇમેન્ટ સ્ટેટ ઇન્સ્યોરન્સ એક્ટ ૧૯૪૮ની હદમાં આવે છે જેમાં ૧૦થી વધારે કર્મચારીઓ કામ કરે છે.
જે કર્મચારીઓના પગાર ૨૧૦૦૦ રૂપિયા છે તેમને આ કાયદા હેઠળ વિમા સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, આ યોજના સાથે જાડાયેલા લોકોને ઔપચારિક ક્ષેત્રમાં રોજગારના સ્તરને લઇને પણ માહિતી મળે છે. આ આંકડાથી મોદી સરકારને ચોક્કસપણે રાહત મળી શકે છે. જુલાઈ મહિનામાં નવા રોજગારની તકો છેલ્લા ૧૧ મહિનામાં સૌથી વધારે નોંધાઈને ૯.૫૧ લાખ થઇ ગઇ છે.