સંયુક્ત અરબ અમીરાતમા એક ચોંકાવનારો કિસ્સો બન્યો છે. એક ભારતીય વ્યક્તિના ખાતામાં ભૂલથી લગભગ ૧.૨૮ કરોડ રૂપિયા આવી ગયા હતા. જેના બાદ તેને જેલની હવા ખાવી પડી. ત્યારે દરેક વ્યક્તિએ આ કિસ્સો સાંભળી લેવા જેવો છે, કારણ કે આવી ભૂલો બેંક દ્વારા અનેકવાર થાય છે. ઓક્ટોબર ૨૦૨૧ ના વર્ષમાં એક મેડિકલ ટ્રેડિંગ કંપની દ્વારા ભૂલથી એક ભારતીય શખ્સના ખાતામા AED ૫૭૦,૦૦૦ આવી ગયા હતા. જેને ભારતીય કરન્સીમાં ટ્રાન્સફર કરતા લગભગ ૧.૨૮ કરોડ રૂપિયા થાય છે. હકીકતમાં આ ભૂલ બે લગભગ એકસરખા એકાઉન્ટ નંબરને કારણે થયા હતા.
કંપનીના અધિકારીઓએ જજને જણાવ્યું કે, મેડિકલ ટ્રેડિંગ કંપનીનો હેતુ AED ૫૭૦,૦૦૦ ને એક બિઝનેસ ક્લાયન્ટને ટ્રાન્સફર કરવાનો હતો. પરંતુ ભૂલથી એક શખ્સને રૂપિયા મોકલી દેવાયા હતા. જ્યારે આ મામલાની જાણ થઈ અને સંબંધિત વ્યક્તિની ધરપકડ થઈ તો દૂબઈ ક્રિમિનલ કોર્ટે આરોપીને દંડ તરીકે એટલી જ રકમનું વળતર કરવાનું કહ્યું. જોકે, તેણે આવું કર્યું નહિ. જ્યારે એ શખ્સની અધિકારીઓ દ્વારા પૂછપરછ કરવામાં આવી તો તેણે કહ્યું કે, જ્યારે મારા ખાતામાં AED ૫૭૦,૦૦૦ જમા થયા તો હું દંગ થઈ ગયો હતો. મેં ફટાફટ મારુ ભાડુ ભરી દીધું, તેમજ અન્ય ખર્ચા પણ કર્યાં. જ્યારે શખ્સે રૂપિયા પરત કરવાનો ઈન્કાર કર્યો તો કંપનીએ દૂબઈની અલ રફા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. બેંકે એ શખ્સનું ખાતુ તરત ફ્રીઝ કરી દીધું હતું. પરંતુ તેઓને પરત રૂપિયા મળ્યા ન હતા. રિપોર્ટમાં કહેવાયું કે, દૂબઈ પબ્લિક પ્રોસિક્યુશને તેના પર ગેરકાયદેસર રીતે રૂપિયા મેળવવાનો આરોપ લગાવ્યો છે.