નવી દિલ્હી : જમ્મુ કાશ્મીરમાંથી કલમ ૩૭૦ને નાબુદ કરવામાં આવ્યા બાદ ભાજપ અને સંઘનુ એક મોટુ કામ આખરે પૂર્ણ થઇ ગયુ છે. આ કામને પૂર્ણ કરવા માટે છેલ્લા કેટલાક વર્ષોથી પ્રયાસ કરવામાં આવી રહ્યા હતા. માંગ પણ કરવામાં આવી રહી હતી. વર્ષોથી કલમ ૩૭૦ની નાબુદી ભારતીય જનતા પાર્ટીના એજન્ડામાં સામેલ હતી પરંતુ સફળતા મળી રહી ન હતી. મોદી સરકારની બીજી અવધિની શરૂઆત થયા બાદ તરત જ આને નાબુદ કરવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટીએ તેના ઘોષણાપત્રમાં પણ કલમ ૩૭૦ને નાબુદ કરવાની વાત કરી હતી. જેથી જ જ્યારે કલમ ૩૭૦ની નાબુદી મુદ્દે જ્યારે રાજ્યસભામાં કેન્દ્રિય ગૃહ પ્રધાન અમિત શાહ નિવેદન કરી રહ્યા હતા ત્યારે તેઓએ જનસંધના સ્થાપક શ્યામા પ્રસાદ મુખર્જીના નામનો પણ ઉલ્લેખ કર્યો હતો.
નાણાં પ્રધાન નિર્મલા સીતારામને પણ કહ્યુ હતુકે મુખર્જીએ એક વખતે કહ્યુ હતુ કે એક દેશમાં બે પ્રધાન અને બે બંધારણ હોઇ શકે નહીં. રાજયસભામાં અમિત શાહે સંકલ્પ પત્ર રજૂ કર્યા બાદ સંઘ પ્રમુખ મોહન ભાગવતે કહ્યુ હતુ કે સરકારના સાહસી પગલાનુ અમે સ્વાગત કરીએ છીએ. આ પગલુ જમ્મુ કાશ્મીર સહિત સમગ્ર દેશ માટે જરૂરી હતુ.
તમામ રાજકીય પક્ષો અને લોકોએ તેમના સ્વાર્થ અને રાજકીય મતભેદોથી ઉપર ઉઠીને આને ટેકો આપવાની જરૂર છે. સંઘ દ્વારા કલમ ૩૭૦ને દુર કરવા અને લડાખને અલગ કરવાની માંગ પહેલાથીજ કરવામાં આવી છે. સંઘ દ્વારા આ સંબંધમાં પ્રસ્તાવ પોતાની અખિલ ભારતીય જન પ્રતિનિધીસભામાં વર્ષ ૨૦૦૨માં રજૂ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ આને તરત જ પાસ પણ કરવામાં આવ્યો હતો. ભારતીય જનતા પાર્ટી દ્વારા કલમ ૩૭૦ની નાબુદી બાદ નવી રણનિતી પર કામ કરનાર છે. હવે રામમંદિર અને કોમન સિવિલ કોડ પર મોદી સરકાર નજર કરનાર છે. હવે સમાન નાગરિક સંહિતા બનાવવા પર કામ થનાર છે. તમામ આને લઇને પણ આશાવાદી છે.