રાષ્ટ્રીય વીરતા એવોર્ડ માટે ૭ બાળાઓ સહિત ૧૮ બાળકોની પસંદગી કરવામાં આવી છે. ૩ બહાદૂર બાળકોને મરણોપાંત આ એવોર્ડ આપવામાં આવશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ૨૪ જાન્યુઆરી, ૨૦૧૮ના રોજ આ બાળકોને એવોર્ડ એનાયત કરશે. આ તમામ બહાદુર બાળકો રાજપથ પર આયોજીત ગણતંત્ર દિવસની પરેડમાં ભાગ લેશે.
પ્રતિષ્ઠિત ભારત એવોર્ડ ઉત્તર પ્રદેશની ૧૮ વર્ષીય કુમારી નાજિયાને આપવામાં આવશે, જેણે પોતાના ઘરની આસ-પાસ વર્ષોથી ચાલતા ગેરકાયદેસર જુગારખાના અને સટ્ટાબાજી વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો હતો. જાનથી મારી નાખવાની ધમકી છતાં તેણીએ પોતાનો સંઘર્ષ જાળવી રાખ્યો હતો.
પ્રતિષ્ઠિત ગીતા ચોપડા એવોર્ડ કર્ણાટકની ૧૪ વર્ષીય નેત્રાવતી ચવ્હાણને આપવામાં આવશે જેણે પોતાનો જીવ ખોઇને બે બાળકોને ડૂબતા બચાવ્યા હતા.
ગજરાતની સમૃદ્ધિ સુશીલ શર્માને પણ એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી છે. સમૃદ્ધિ પોતાના ઘરે એકલી હતી, ત્યારે બુકાનીધારી વ્યક્તિ ઘરમાં બળજબરી ઘૂસી જઇ તેની ગરદન પર ચાકૂ લગાવી દીધુ હતું, પરંતુ સમૃદ્ધિ એ કોઇપણ ડર રાખ્યા વગર તેનો સામનો કર્યો હતો. સમૃદ્ધિની માનસિક શક્તિએ તેને સાહસ અને શોર્યપૂર્ણ કામ કરવા માટે સક્ષમ બનાવી.