નવીદિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં ગુજરાત ભવનનું ઉદ્ઘાટન કર્યું હતું. ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને હાલમાં રાજ્યપાલ તરીકે સેવા આપી રહેલા આનંદીબેન પટેલે હાજરી આપી હતી. કોંગ્રેસ હેડક્વાર્ટરની સામે તૈયાર કરવામાં આવેલા નવા ગુજરાત ભવનમાં સાત માળ છે. આનુ નામ ગરવી ગુજરાત ભવન રાખવામાં આવ્યું છે. બે વર્ષ પહેલા ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આની આધારશીલા મુકી હતી અને આજે મોદીએ ઉદ્ઘાટન કર્યું હતું. આ ભવનની અંદર ૭૯ રુમની સાથે વીઆઈપી લોઝ, પબ્લિક લોઝ, મલ્ટીપર્પજ હોલ બનાવવામાં આવ્યા છે. આમા એક વખતમાં જ ૨૦૦૦ લોકો બેસી શકે છે. આ આધુનિક ભવનમાં ઇકો ફ્રેન્ડલી સુવિધાઓ રાખવામાં આવી છે. ભવનના નિર્માણ પર ૧૩૧ કરોડ રૂપિયાનો ખર્ચ કરાયો છે.
જો કે, આનાથી ઓછા ખર્ચમાં આનુ નિર્માણ કરવામાં આવ્યું છે. ઉદ્ઘાટન કર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, ગુજરાત ભવન પ્રવાસીઓ માટે ઉપયોગી રહેશે. રોકાણના એક કેન્દ્ર તરીકે ઉભરી આવશે. આમા ન્યુ ઇન્ડિયાની ઝલક જોઈ શકાય છે.
તેમણે એમ પણ કહ્યું હતું કે, ગુજરાતના લોકો હંમેશા જુદી જુદી રીતે જાણીતા રહ્યા છે. આ પ્રસંગે હળવાશના મૂડમાં મોદીએ ગુજરાતની વાનગીઓ અંગે પણ વાત કરી હતી. મોદીએ સંબોધન વેળા ગણેશ ચતુર્થીની શુભેચ્છા પાઠવી હતી. સાથે સાથે અહીં સ્વાદિષ્ટ વ્યંજન અને ગુજરાતી વાનગીઓનો સ્વાદ દિલ્હી વાસીઓ માણી શકશે. જૈન સમાજને પણ મિચ્છામી દુક્કડમની શુભેચ્છા પાઠવી હતી.