મુંબઇ : સમગ્ર ગુજરાતને હચમચાવી મુકનાર અને દેશની રાજનીતિમાં પણ ભારે ચર્ચા જગાવનાર સોહરાબુદ્દીન શેખ એન્કાઉન્ટર કેસમાં આજે મુંબઇની ખાસ સીબીઆઇ અદાલતનો ચુકાદો આવ્યો હતો. જેમાં તમામ ૨૨ પોલીસ કર્મચારીઓને નિર્દોષ છોડી મુકવાનો આદેશ કરવામાં આવ્યો હતો. આ ચુકાદાની સાથે આરોપી તરીકે રહેલા પોલીસ અધિકારીઓમાં રાહતનુ મોજુ ફરી વળ્યુ હતુ. આજે ચુકાદા પર તમામની નજર હતી. સોહરાબુદ્ધીન શેખ અને તેની પત્નિ કૌસરબીના બનાવટી એન્કાઉન્ટર મામલામાં આ તમામ ૨૨ આરોપી તરીકે હતા. ૨૧ આરોપી ગુજરાત, રાજસ્થાન અને આંધ્રપ્રદેશ પોલીસના હતા. એક ફાર્મ હાઉસના માલિક તરીકે હતા. તુલસીરામ પ્રજાપતિ કેસમાં સામેલ હોવાના આરોપોમાંથી પણ તેમને નિર્દોષ છોડી મુકવામાં આવ્યા છે.
ગયા ડિસેમ્બર મહિનામાં કેસમાં ટ્રાયલની શરૂઆત થઇ હતી. ગયા વર્ષે ૨૧૦ સાક્ષીઓની જુબાની લેવામાં આવી હતી. ૯૨ તાજના સાક્ષી બની ગયા હતા. વર્ષ ૨૦૧૨માં આ કેસ મુંબઇની કોર્ટમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. વર્ષ ૨૦૧૦માં સુપ્રીમ કોર્ટે કેસને મુંબઇમાં ખસેડી લેવાનો આદેશ કર્યો હતો. આ ગાળા દરમિયાન શરૂઆતમાં ૩૮ આરોપીની નોંધણી કરવામા આવી હતી. જેમાં ભાજપના હાલના પ્રમુખ અમિત શાહનો સમાવેશ થાય છે. શાહને નિર્દોષ જાહેર કરવામાં આવી ચુક્યા છે. મુંબઈ સીબીઆઈ કોર્ટ ચુકાદો આપે તે પહેલા જ ગઇકાલે ગુરૂવારના દિવસે સરકાર સામે બાયો ચઢાવનાર આઈપીએસ અધિકારી રજનીશ રાયને સસ્પેન્ડ કરી દેવાતા પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો હતો.
ગુજરાતમાં નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી બન્યા બાદ ચર્ચા જગાવનાર સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસમાં આરોપીઓ સામે સઘન કાર્યવાહી કરનાર પૂર્વ સીઆઈડી અધિકારી અને ગુજરાત કેડરના આઈપીએસ રજનીશ રાયને સસ્પેન્ડ કરાયા હતા. સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસમાં રજનીશ રાયે પૂર્વ આઈપીએસ વણજારા સહિત સંખ્યાબદ્ધ પોલીસ અધિકારીઓની ધરપકડ અને સઘન પુછપરછ કરી હતી. આ સાથે તત્કાલિન મોદી સરકાર સામે પણ આ કેસમાં બાયો ચઢાવનાર રજનીશ રાયે થોડા સમય અગાઉ જ વીઆરએસ માંગ્યું હતું. જા કે, સરકારે રજનીશ રાયને વીઆરએસ આપવાના બદલે સીધા સસ્પેન્ડ કરી દેવાયા હતા.કેન્દ્રીય ગૃહ વિભાગે રાજનીશ રાયને ઘરે બેસાડ્યા હતા.