અમદાવાદ : પાટીદાર અનામત આંદોલન છોડી ભાજપના વચનોમાં વિશ્વાસ રાખી ભાજપમાં જાડાનાર મહિલા યુવા નેતા રેશમા પટેલે ફરી એકવાર પોતાનો ઉગ્ર આક્રોશ ભાજપ અને રાજય સરકાર સામે વ્યકત કર્યો છે. આ વખતે રેશમા પટેલે જાણે ભાજપ અને સરકાર સામે ખુલ્લો મોરચો માંડ્યો હોય તેમ આગામી આગામી લોકસભાની ચૂટણીમાં ભાજપનો જ ખેસ પહેરી ભાજપની જુઠ્ઠ અને ભ્રમની રાજનીતિને ખુલ્લી પાડવાની ખુલ્લી ચીમકી પણ ઉચ્ચારી છે, જેને પગલે રાજકીય ખળભળાટ મચી જવા પામ્યો છે. ખાસ કરીને ભાજપની છાવણીમાં રેશમા પટેલના વિરોધના સૂર અને વંટોળને લઇ ભારે ચિંતા અને ટેન્શન વધ્યા છે તો બીજીબાજુ, કોંગ્રેસમાં રેશમા પટેલના ખુલ્લા આક્રોશને લઇ તેમનું કામ રેશમા જ આસાન કરી રહી હોવાની લાગણી વહેતી થઇ છે.
ત્રણ વર્ષ પહેલાં પાટીદારોને અનામત અપાવવા નીકળેલા અને ત્યારબાદ ભાજપમાં ભળી જનાર નેતા રેશ્મા પટેલને હવે ભાજપમાં પણ ફાવતું નથી એવું લાગી રહ્યું છે. રેશ્માએ આજે પોતાનાં ફેસબુક પેઈજમાં એક પોસ્ટ મુકી ભાજપની ભરપુર આલોચના કરી છે. રેશ્માએ ભાજપને વિકાસની નહીં પણ વિનાશની રાજનીતિ કરી રહ્યાં છે એવો સનસનીખેજ આક્ષેપ કર્યો છે. રેશ્માએ જણાવ્યું કે, હું ભાજપના વિકાસવાદ, રાષ્ટ્રવાદ, સૌનો સાથ સૌનો વિકાસની વાતોથી જોડાઈ હતી. પરંતુ દુઃખ થાય છે કે ભાજપ તો જુઠ,ભ્રમ અને જુઠ્ઠાણાંની રાજનિતી કરી રહી છે. મેં પોતે મુખ્યમંત્રીને રજૂ કરેલા લોકહિતના કામો હજુ સુધી થયા નથી. આ ઉપરાંત પાટીદાર સમાજને થયેલા અન્યાય પ્રશ્નોનું તો હજુ સુધી કોઈ સમાધાન થયું જ નથી. ભાજપ અત્યારે વિકાસની નહિ પરંતુ, વિનાશની રાજનીતિ કરી રહી છે. તેમણે પાટીદાર અનામત આંદોલન વખતની માંગણીઓનો કોઈ જ ઉકેલ આવ્યો નહિ હોવાનું જણાવતા આંદોલનની ચીમકી આપતા કહ્યું કે, આગામી લોકસભાની ચૂટણીમાં તેણી ભાજપનો જ ખેસ પહેરી ભાજપની જુઠ્ઠ અને ભ્રમની રાજનીતિને ખુલ્લી પાડશે. ગુજરાત રાજ્યમાં પાસના કન્વીનર તરીકે ત્રણ વર્ષ આંદોલન કર્યા બાદ ભાજપમાં જોડાયેલા રેશમા પટેલે ફેસબુક પેજમાં ભાજપ સામે ફરી એકવાર આક્રોશ વ્યક્ત કર્યો છે. જેમાં રેશમા પટેલે જણાવ્યું કે, ભાજપના સૌના સાથ સૌના વિકાસની વાતો વચ્ચે અમે રાજ્ય અને દેશની સેવા કરવા માટે ગઈ વિધાનસભાની ચુંટણી પહેલા ભાજપમાં જોડાયા હતા.
પરંતુ આમારા યોગદાનને ભૂલી ભાજપ દ્વારા આજદિન સુધી પાટીદાર આંદોલન સમયની માંગણીઓનો કોઈ ઉકેલ લાવવામાં આવ્યો નથી. ભાજપને વિધાનસભાની ચુંટણી જીતાડવા અમે જોરદાર પ્રયાસ કર્યા હતા. તે વખતે અમને પ્રજાના પ્રશ્નો અને ખાસ કરીને પાટીદાર સમાજની માંગણીઓનો ઉકેલ આવશે તેવી લાગણી હતી. પરંતુ દુખ સાથે કહેવું પડે છે કે, ભાજપે વિકાસની નહિ પરંતુ, વિનાશની રાજનીતિ કરી છે. ભાજપ જુઠ્ઠ અને ભ્રમની રાજનીતિ કરી રહી હોવાનું જણાવતા તેમણે કહ્યું કે, મહિલાઓ હોય કે વિદ્યાર્થીઓ, ખેડૂતો હોય કે શોષિત વર્ગ, દરેક માટે માત્ર વોટબેન્કની જ રાજનીતિ થઈ રહી છે.
રેશમા પટેલે કહ્યું કે, પાટીદાર અનામત આંદોલનમાં શહીદ થયેલા યુવાનોના પરિવારજનોને નોકરી આપવા તેમજ બિન અનામત આયોગ નિગમમાં રહેલી ત્રુટી અંગે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. જો તેનો કોઈ ઉકેલ નહિ આવે તો આંદોલન કરવાની ચીમકી આપતા રેશમા પટેલે કહ્યું કે, મુખ્યમંત્રી કાર્યાલય તરફથી અમદાવાદમાં તમામ ઉચ્ચ અધિકારીઓને આદેશ કરવામાં આવ્યા છે કે રેશમા પટેલ આંદોલન કરે નહિ તે માટે કડક કાર્યવાહી કરવી. આ બાબતે અમદાવાદ પોલીસે તેમનું નિવેદન પણ નોધ્યું હોવાનું કહેતા રેશમા પટેલે ઉમેર્યું કે, લોકસભાની આગામી ચૂટણીમાં ભાજપનો ખેસ પહેરી ભાજપની જુઠ્ઠ અને ભ્રમની રાજનીતિને ખુલ્લી પાડશે.