વર્લ્ડ કપ માટે ડચ ટીમ વહેલી ભારત આવી જશે

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

આઇસીસી વન-ડે ક્રિકેટ વર્લ્ડ કપ માટે પોતાની તૈયારીને વેગ મળી રહે તે હેતુથી નેધરલેન્ડ્‌સની ટીમ આ વખતે વહેલી ભારત આવી જશે અને કેટલીક પ્રેક્ટિસ મેચો રમશે. ડચ ટીમ સપ્ટેમ્બરના બીજા સપ્તાહમાં  જ ભારત આવી પહોંચે તેવી શક્યતા છે. વર્લ્ડકપનો પ્રારંભ ૫ ઓક્ટોબરથી થનારો છે. મેચની તારીખ અને સ્થળ જેવી મેચની વિગતો અંગે હજી પ્રક્રિયા ચાલી રહી છે અને તેમાં ફેરફારની શક્યતા રહેલી છે પરંતુ નેધરલેન્ડ્‌સને આ અગાઉ કેટલીક વોર્મ અપ મેચ પણ રમવાની છે. જેની તારીખો આઇસીસી અને બીસીસીઆઈ નક્કી કરશે.

નેધરલેન્ડ્‌સ ક્રિકેટ એસોસિયેશનના અધિકારીએ જણાવ્યું હતું કે અમે થોડા દિવસ વહેલા ભારત આવનારા છીએ. અમે બેંગલોરમાં કેટલીક મેચો રમીશું અને ત્યાર બાદ સત્તાવાર વોર્મ અપ મેચમાં રમીશું.  આ મેચો અમારા માટે ખૂબ જ અગત્યની છે કેમ કે ગયા મહિને વર્લ્ડ કપ ક્વોલિફાયરમાં રમ્યા બાદ અમે કોઈ સ્પર્ધાત્મક ક્રિકેટમાં રમ્યા નથી. બેંગલોરમાં પ્રેક્ટિસ મેચો રમ્યા બાદ નેધરલેન્ડ્‌સની ટીમ હૈદરાબાદ અથવા તો ત્રિવેન્દ્રમનો પ્રવાસ કરશે જ્યાં તેમને સત્તાવાર વોર્મ અપ મેચ રમવાની છે. જોકે હૈદરાબાદ તેમના માટે પ્રાથમિકતા રહેશે કેમ કે ત્યાં જ તેમને વર્લ્ડ કપની પોતાની બે પ્રારંભિક મેચ રમવાની છે. છઠ્ઠી ઓક્ટોબરે નેધરલેન્ડ્‌સ તેના વર્લ્ડ કપ અભિયાનનો પ્રારંભ પાકિસ્તાન સામે હૈદરાબાદમાં રમીને કરશે.

Share This Article