નવી દિલ્હી; ખરીફના પાકની વાવણી માટે વાદળોથી આશા લગાવીને રહેલા ખેડુતોને મોનસુનથી મોટો ફટકો પડી શકે છે. હવામાન વૈજ્ઞાનિક સમર ચૌધરીના કહેવા મુજબ આ વર્ષે મોનસુન કમજોર રહેવાની સંભાવના છે. ચૌધરીએ ખાનગી હવામાન સંસ્થા સ્કાયમેટને આપેલી માહિતીમાં કહ્યું છે કે, આગામી બે દિવસમાં મોનસુન કેરળમાં એન્ટ્રી આપી શકે છે. દિલ્હી અને એનસીઆરમાં મોનસુન સામાન્ય રીતે જુનના છેલ્લા સપ્તાહ સુધી પહોંચે છે. પરંતુ આ વર્ષે તે ૧૦ થી ૧૫ દિવસ મોડેથી પહોંચી શકે છે. એટલુ જ નહીં સમર ચૌધરીએ કહ્યું છે કે, પ્રી મોનસુન વરસાદ પણ ખુબ જ ઓછો રહ્યો છે. જે ૬૫ વર્ષમાં બીજી વખત આવી સ્થિતિ સર્જાઈ છે. સામાન્ય રીતે પ્રી મોનસુન વરસાદ ૧૩૫ મિલીમીટર સુધી હોય છે. પરંતુ આ વર્ષે ૯૯ મિલીમીટર સુધી વરસાદ થયો છે.
મોનસુનના આગમનવાળા ક્ષેત્રોમાં અલનિનોના સક્રિય થઈ જવાના લીધે આ પ્રકારની સ્થિતિ સર્જાઈ રહી છે. અત્રે નોંધનીય છે કે, ઉત્તર ભારત, મધ્ય ભારત અને દેશના પશ્વિમ ઉપરાંત સહિત મોટાભાગના હિસ્સામાં કાળઝાળ ગરમીનું મોજુ ફરી વળ્યું છે. પશ્વિમી રાજસ્થાનના અનેક ભાગોમાં પારો ૪૮ સુધી પહોંચી ગયો છે. મોનસુનના વિલંબથી સંકેત મળી રહ્યા છે કે, ગરમીમાં કોઈ ઘટાડો થશે નહી. લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. મોનસુનમાં વિલંબને લીધે અર્થતંત્રને પણ નુકસાન થઈ શકે છે. રાજસ્થાનની સાથે સાથે બિહાર, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર સહિતના રાજ્યોમાં ભીષણ ગરમી પડી રહી છે.
મોનસુનની આગાહી વચ્ચે સમગ્ર ઉત્તર ભારતમાં ભીષણ ગરમી પડી રહી છે. જેના કારણે હાહાકાર મચી ગયો છે. આજે પણ દેશના અનેક ભાગોમાં પારો ૪૫થી ૪૮ની આસપાસ રહ્યો હતો. રાજસ્થાનમાં આગામી બે દિવસમાં તાપમાનમાં એકથી બે ડિગ્રી સેલ્સિયસ સુધીનો વધારો થઇ શકે છે. આનો મતલબ એ થયો કે, રાજસ્થાનમાં તાપમાન ૪૫-૫૦ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે. ભીષણ ગરમી અને લૂના કારણે લોકોની હાલત કફોડી બનેલી છે. દેશમાં ગરમીના કારણે મોતનો આંકડો ૩૭થી પણ ઉપર પહોંચી ચુક્યો છે.
હવામાન વિભાગના કહેવા મુજબ આગામી સપ્તાહમાં પણ દિલ્હી અને આસપાસના રાજ્યોમાં સ્થિતિમાં કોઇ સુધાર નહીં થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. હિટવેવના પરિણામ સ્વરુપે આ વર્ષે તેલંગાણામાં સૌથી વધુ મોત થયા છે. છેલ્લા ૨૪ દિવસના ગાળામાં જ તેલંગાણામાં ગરમી અને લૂના લીધે ૧૮ લોકોના મોત થઇ ચુક્યા છે. આવી જ રીતે આંધ્રપ્રદેશમાં આ સિઝનમાં ત્રણ લોકોના મોત લૂ લાગવાના કારણે થઇ ચુક્યા છે. રાજસ્થાનમાં પણ ગરમીના કારણે બે લોકોના મોત થઈ ચુક્યા છે. ગરમીથી બચવા માટે તંત્ર દ્વારા તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.