બેજિંગ : ચીને આજે અમેરિકા પર સંયુક્ત રાષ્ટ્રની આતંકવાદ વિરોધી કમિટિના અધિકારોને ઓછા કરવાનો સીધો આક્ષેપ કર્યો હતો. ચીને કહ્યું હતું કે, અમેરિકા મસુદ અઝહરને વૈશ્વિક આતંકવાદીની યાદીમાં મુકવા દબાણ લાવીને સંયુક્ત રાષ્ટ્રની આતંકવાદ વિરોધી કમિટિના અધિકારોને ઘટાડે છે. ચીને એમ પણ કહ્યું છે કે, અમેરિકાના આ પગલાથી આ મામલો વધારે મુશ્કેલીમાં મુકાઈ જશે. પુલવામા હુમલા માટે જવાબદાર મસુદ અઝહરને આતંકવાદ તરીકે જાહેર કરવા હાલમાં જ મોટી પહેલ થઇ હતી. અમેરિકાએ ફ્રાંસ અને બ્રિટનના સહકાર સાથે યુએનની સુરક્ષા પરિષદમાં પાકિસ્તાની આતંકવાદી મસુદ અઝહરને વૈશ્વિક આતંકવાદી જાહેર કરવા માટે પ્રસ્તાવ રજૂ કર્યો હતો. અમેરિકાએ આ પગલું બે સપ્તાહ પહેલા ચીન દ્વારા વીટોનો ઉપયોગ કરીને મસુદ અઝહરને વૈશ્વિક આતંકવાદી જાહેર કરવા આડે અચડણો ઉભી કરવાના પ્રયાસ કર્યા હતા. અમેરિકા અને ચીન હવે આમને સામને આવી ગયા છે. મસુદની સામે અમેરિકાના પ્રસ્તાવથી ચીનની ઉંઘ હરામ થઇ ગઇ છે.
અમેરિકાના વિદેશમંત્રી માઇક પોમ્પોયિઓએ ચીન દ્વારા મસુદને બચાવવા પર નિવેદન આપીને કહ્યું છે કે, ચીન પોતાના ઘરમાં લાખો મુસ્લિમોનું શોષણ કરી રહ્યું છે પરંતુ એક વૈશ્વિક આતંકવાદીને આતંકવાદ તરીકે જાહેર કરવાને લઇને અચડણો ઉભી કરે છે. અમેરિકાએ એમ પણ કહ્યું છે કે, દુનિયા ચીનની મુસ્લિમો પ્રત્યે પાખંડની ગતિવિધિને બર્દાસ્ત કરવાની સ્થિતિમાં નથી.