શ્રીનગર : જમ્મુ કાશ્મીરમાં પુલવામાના લસ્સીપોરામાં ગુરૂવારે મોડી રાત્રે શરૂ થયેલી અથડામણમો હવે અંત આવ્યો છે. આ અથડામણમાં ચાર ત્રાસવાદીઓ માર્યા ગયા છે. ઠાર કરવામાં આવેલા ત્રાસવાદીઓની પાસેથી મોટી માત્રામાં મોતનો મસાલો કબજે કરવામા ંઆવ્યો છે. જેમાં ત્રણ એકે રાઇફલનો સમાવેશ થાય છે. ત્રાસવાદીઓ હજુ પણ પુલવામા અને તેની આસપાસના વિસ્તારોમાં છુપાયેલા છે. જે વારંવાર પરિસ્થિતીનો લાભ ઉઠાવીને હુમલાના પ્રયાસ કરે છે. બીજી બાજુ અનંતનાગ જિલ્લામાં ઇદ મનાવવા માટે આવેલા ટેરિટોરિયલ આર્મીના એક જવાનની ત્રાસવાદીઓએ ગોળી મારીને હત્યા કરી દીધી છે.
ઇન્ટેલિજન્સ બાતમી મળ્યા બાદ સેનાની ૪૪ રાષ્ટ્રીય રાઇફલે જમ્મુ કાશ્મીર પોલીસ સ્પેશિયલ ઓપરેસન ગ્રુપ અને સીઆરપીએફની સાથે મળીને પુલવામા ખાતે લસ્સીપોરા ખાતે શોધખોળ અભિયાન શરૂ કરતા પંજારણ વિસ્તારમાં ત્રાસવાદીઓએ સેનાના જવાનો પર ગોળીબાર કરી દીધો હતો. ત્યારબાદ છુપાયેલા ત્રાસવાદીઓને ચારેબાજુથી ઘેરી લઇને કાર્યવાહી શરૂ કરી હતી. લાંબા સમય સુધી અથડામણ ચાલ્યા બાદ ચાર ત્રાસવાદીઓ માર્યા ગયેલા હતા.
માર્યા ગયેલા ત્રાસવાદીની પાસેથી મોટી માત્રામાં વિસ્ફોટકો કબજે કરવામાં આવ્યા હતા. આ વિસ્તારમાં વધુ કેટલાક ત્રાસવાદીઓ હોઇ શકે છે જેમની સામે કાર્યવાહી ચાલી રહી છે. દરમિયાન સેનાની ટેરિટોરિયલ આર્મીમા તૈનાત જવાન મંજુર અહેમદ બેગની ત્રાસવાદીઓ દ્વારા ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે. ત્રાસવાદીઓએ છુપી રીતે આ હુમલો કરીને હત્યા કરી હતી. હાલમાં આ જવાન કાશ્મીર ખીણમાં તૈનાત હતા.