અમદાવાદ: અમદાવાદ શહેર સહિત રાજયભરમાં આજે લોકોએ ખાસ કરીને નાના બાળકો-યુવાઓ અને અબાલ-વૃધ્ધ સૌકોઇએ ભારે હર્ષોલ્લાસ, ઉત્સાહ અને રંગોની છોળો વચ્ચે રંગોના પર્વ એવા હોળીના તહેવારની જારદાર ઉજવણી કરી હતી. ભારે ઉત્સાહ અને ધાર્મિક આસ્થા સાથે આજે અસત્ય પર સત્યના અને આસુરી શકિત પર દૈવી શકિતના વિજયના પર્વ એવા હોળીના તહેવારની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં નાના બાળકોથી લઇ યુવાઓ અને સૌકોઇ હોળીની ઉજવણીના રંગમાં રંગાયા હતા તો, બીજીબાજુ, આજે બુધવારે સવારે ૧૦-૪૫ સુધી ફાગણ સુદ ચૌદસ હતી, તેથી ત્યારબાદ પૂનમનો પ્રારંભ થયો હતો અને તે સાથે જ હોળીના તહેવારનો રંગબેરંગી માહોલ છવાયો હતો.
ફાગણી પૂનમ હોળીના પર્વને લઇ આજે સાંજના સમયે હોલિકાદહન અને હોળીની પ્રદક્ષિણા કરી પ્રજાજનોએ ધાર્મિકઆસ્થાની પરંપરાગત ઉજવણી કરી હતી. સુપ્રસિધ્ધ જગન્નાથજી મંદિર ખાતે આજે હોળી ઉત્સવ મનાવવામાં આવ્યો હતો. તો આ જ પ્રકારે શહેરના અન્ય મંદિરોમાં પણ રસિયાગાન, ફુલફાગ મહોત્સવ સહિતના ઉત્સવો ઉજવાયા હતા. બીજીબાજુ, ડાકોર, દ્વારકા, શામળાજી, અંબાજી સહિતના યાત્રાધામોમાં તો આજે ફાગણી પૂનમ અને હોળીને લઇ શ્રધ્ધાળુ ભકતોનું જાણે ઘોડાપૂર ઉમટયુ હતું. જગપ્રસિધ્ધ ડાકોર, દ્વારકા અને શામળાજી મંદિરોમાં તો આજે કાળિયા ઠાકરનો બહુ અદ્ભુત અને મનમોહક શણગાર કરાયો હતો. ખાસ કરીને હોળી-ધૂળેટીના તહેવારને લઇ સુપ્રસિધ્ધ યાત્રાધામ ડાકોર, દ્વારકા અને શામળાજી ખાતે તો લાખો શ્રધ્ધાળુ ભકતોનું જાણે કિડિયારૂં ઉભરાયું હતું. ભાવવિભોર લોકોએ કાળિયા ઠાકરના દર્શન કરવા માટે રીતસરની પડાપડી કરી હતી.
આ ત્રણેય મંદિરોમાં રંગોની છોળો વચ્ચે ભકતોએ પોતાના પ્રભુના દર્શન કરી ધન્યતાનો અનુભવ કર્યો હતો. આ વર્ષે શહેર સહિત રાજયભરમાં કેટલાક સ્થળોએ ઇકો ફ્રેન્ડલી હોળી પણ પ્રગટાવવામાં આવી હતી. જેમાં મહેમદાવાદના સિÂધ્ધ વિનાયક મંદિર ખાતે ગુજરાતની સૌથી મોટી અને ૩૫ ફુટ ઉંચી હોળી પ્રગટાવવામાં આવી હતી. જેમાં ૧૫૦ કિલો જડીબુટ્ટી અને બે હજાર કિલો લાકડાનો ઉપયોગ થયો હતો. હોળીનો તહેવાર બે દિવસનો હોય છે. પહેલા દિવસે હોળીના દિવસે હોલિકાદહન કરવામાં આવે છે અને બીજા દિવસે ધૂળેટીનો તહેવાર રંગોત્સવ સાથે મનાવવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર, હોલિકાદહન ફાગણ મહિનાની પૂર્ણિમાના રોજ કરવામાં આવે છે. આજે સવારે ૧૦-૪૫ મિનિટ બાદ પૂનમની તિથિ બેસી ગઇ હતી અને તેની સાથે ભદ્રા પણ લાગુ પડયું હતુ પરંતુ નિયમ છે કે, ભદ્રા કાળમાં હોલિકાદહન ન કરવું જાઇએ, તે શુભ નથી મનાતું.
જા કે, સાંજે ૮-૩૭ મિનિટે ભદ્રા સમાપ્ત થઇ ગયું હતુ અને ત્યારબાદ હોલિકાદહનને લઇ ઘણી શુભ અસરો અને ફળ પ્રાપ્ત થવાની સંભાવનાઓ વધી જાય છે. હોળીના આજના પવિત્ર દિવસ સાથે જ હોળાષ્ટકની પૂર્ણાહુતિ થઇ હતી. ઉલ્લેખનીય છે કે, ફાગણ સુદ પૂનમે હોળીના સમયે હોળીની વચ્ચે ધજા રોપીને પવનથી વરતારા પરાપૂર્વથી થાય છે અને તે માટેના ભડલી વચનો પણ અપાયેલા છે. તો, હોળીની પ્રદક્ષિણાનો પણ અનોખો અને શાસ્ત્રોક્ત મહિમા રહેલો છે. હોળીની પ્રદક્ષિણા કરવાથી ધાર્મિક લાભ તો થાય છે જ પરંતુ સાથે સાથે આરોગ્યનો પણ લાભ થતો હોય છે. હોળીની પ્રદક્ષિણા કરવાથી શરીરમાં જે કફ જામી ગયો હોય છે, તે પીગળવા લાગે છે. સાથે જ હોળીની પ્રદક્ષિણા કરતી વખતે કપૂર, ગૂગળ, ઇલાયચી પણ હોમાય તો ઔષધિયુકત ધુમાડો પ્રસરવાથી અને તે શરીરમાં જવાથી રોગપ્રતિકારક શકિત વધે છે. શહેરના વિવિધ વિસ્તારોમાં સોસાયટી, મહોલ્લાઓ, શેરીઓ અને પોળોના નાકે, ચાર રસ્તા પર હોળી પ્રાગટય કરવામાં આવ્યુ હતું. શ્રધ્ધાળુ જનતાએ ભારે આસ્થા સાથે જળ, કપૂર, ગૂગળ સહિતની ચીજવસ્તુ હોમવા સાથે હોળીની પ્રદક્ષિણા કરી પ્રાર્થના કરી હતી. ખાસ કરીને મહિલાઓએ ખૂબ મોટી સંખ્યામાં તેમના બાળકોને લઇ ભકિતસભર પ્રદક્ષિણા કરી હતી અને હોળીના પર્વની ભારે ધાર્મિક આસ્થા સાથે ઉજવણી કરી હતી.