નવીદિલ્હી : ભારત અને પાકિસ્તાન વચ્ચે આશરે પાંચ મહિના સુધી સંબંધો ખુબ જ વિસ્ફોટક થયા હતા. બાલાકોટમાં જૈશના આતંકવાદીઓના અડ્ડા ઉપર ભારતે હવાઈ હુમલા કર્યા બાદથી બંને દેશો વચ્ચેના સંબંધ વણસી ગયા હતા. હવાઈ હુમલાના ટુંકાગાળામાં જ પાકિસ્તાને એરસ્પેસને બંધ કરવાનો નિર્ણય કર્યો હતો. પાકિસ્તાને ૨૬મી ફેબ્રુઆરીના દિવસે એરસ્પેસને બંધ કરવાની જાહેરાત કરી હતી. ત્યારબાદ પાકિસ્તાને એરસ્પેસને બંધ રાખવા માટેની મર્યાદાને વારંવાર વધારી હતી.
આશરે પાંચ વખત પાકિસ્તાને એરસ્પેસને બંધ રાખવા માટેની મર્યાદા વધારી હતી. પાકિસ્તાને છેલ્લે એવી વાત પણ કરી હતી કે, જા ભારત અગ્રિમ ચોકીઓ ઉપરથી અને બેઝ ઉપર તેના યુદ્ધવિમાનોને ખસેડી લેશે તો તે તેના હવાઈ ક્ષેત્રને ખોલી દેશે પરંતુ ભારતે પાકિસ્તાનની આવી કોઇ વાત સ્વીકારી ન હતી. પાકિસ્તાનની કોઇ શરતો સ્વીકારવામાં ન આવી હોવા છતાં આખરે પાકિસ્તાને તેની હવાઈ સીમાને તમામ વિમાનો માટે ખોલી દીધી છે. આનાથી સાબિત થાય છે કે, પાકિસ્તાન આર્થિક મોરચા પર ખુબ ખરાબ સ્થિતિમાં છે અને તેને નુકસાન પોષાય તેમ નથી.