દિલ્હી/ઈસ્લામાબાદ : પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં બે હિન્દુ બહેનોનું અપહરણ કરીને બળજબરીપૂર્વક લગ્ન કરવા અને ધર્મ પરિવર્તન કરાવી દેવાના મામલામાં પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાનખાને જોરદાર દબાણ બાદ તપાસનો આદેશ કરી દીધો છે. ભારત તરફથી જોરદાર દબાણ લાવવામાં આવ્યા બાદ ઈમરાનખાને તરત જ તપાસનો આદેશ કરી દીધો છે. બે ટીનેજ હિન્દુ યુવતીઓના ધર્માંતરણને લઈને ભારે હોબાળો થઈ ગયો છે. પાકિસ્તાનના માહિતી પ્રધાન ફવાદ ચૌધરીએ આજે આ મુજબની માહિતી આપી હતી. અગાઉ ભારતીય વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે આ મામલામાં રિપોર્ટની માંગ કર્યા બાદ અને પાકિસ્તાનની જોરદાર ઝાટકણી કાઢ્યા બાદ ઈમરાનખાને તપાસનો આદેશ કરી દીધો છે.
ભારત દ્વારા કરવામાં આવી રહેલા દબાણની કેટલી અસર થઈ રહી છે તેના પુરાવા હવે મળવા લાગી ગયા છે. ભારત દ્વારા આતંકવાદ સહિતના મુદ્દા પર પાકિસ્તાન પર તીવ્ર દબાણ લાવવામાં આવ્યું છે. સુષ્મા સ્વરાજે બે હિન્દુ ટીનેજ યુવતીઓના કહેવાતા અપહરણ અને ત્યારબાદ તેમને ઈસ્લામ ધર્મ સ્વીકાર કરવાની ફરજ પાડવાના અહેવાલને લઈને પાકિસ્તાનમાં ભારતીય હાઈકમિશન પાસેથી અહેવાલની માંગ કર્યા બાદ પાકિસ્તાન હચમચી ઉઠ્યું છે. એવું જાણવા મળ્યું છે કે બે હિન્દુ યુવતીઓ ૧૩ વર્ષીય રવિના અને ૧૫ વર્ષીય રીનાનું હોળીના પ્રસંગે સિંધમાં ઘોટકી જિલ્લામાં તેમના આવાસથી કેટલાક લોકોએ અપહરણ કરી લીધું હતું. ત્યારબાદ તેમને બળજબરીપૂર્વક ઈસ્લામ ધર્મ સ્વીકાર કરવાની ફરજ પાડવામાં આવી હતી.
ઘોટકી જિલ્લામાં આ બનાવ બન્યા બાદ દેશભરમાં ખળભળાટ મચી ગયો હતો. અપહરણ બાદ એક વીડિયો વાયરલ થયો હતો. જેમાં એક મૌલવી બે યુવતીઓના નિકાહ કરાવતા નજરે પડ્યા હતા. આ વીડિયોમાં ટીનેજ કિશોરીઓ એમ કહેતી નજરે પડી રહી હતી કે તેઓ તેમની ઈચ્છાથી ઈસ્લામ ધર્મ સ્વીકારે છે. રવિવારના દિવસે ઉર્દુમાં ટ્વીટર પોસ્ટમાં માહિતી મંત્રી ચૌધરીએ કહ્યું હતું કે વડાપ્રધાને સિંધના મુખ્યમંત્રીને મામલામાં તપાસ કરવા કહ્યું છે. અપહરણના આ બનાવથી ભારે ખળભળાટ મચી ગયો છે. ચૌધરીએ એમ પણ કહ્યું હતું કે આ બનાવના અનુસંધાનમાં સંયુક્ત પગલા લેવા માટે સિંધ અને પંજાબ સરકારને કહેવામાં આવ્યું છે. આ પ્રકારના બનાવ ફરી ન બને તે માટે પગલા લેવા પણ કહેવામાં આવ્યું છે. તેમણે એમ પણ કહ્યું છે કે પાકિસ્તાનના લઘુમતીઓ સુરક્ષિત છે. શનિવારના દિવસે ચૌધરીએ કહ્યું હતું કે સરકારે બળજબળીપૂર્વક ધર્માંતરણના બનાવની નોંધ લીધી છે.
ગયા વર્ષે ચુંટણી દરમિયાન ઈમરાનખાને કહ્યું હતું કે તેમની પાર્ટીનો એજન્ડા પાકિસ્તાનમાં જુદા જુદા ધાર્મિક સંગઠનોના જીવન ધોરણને સુધારવાનો રહેશે. હિન્દુ યુવતીઓના બળજબરીપૂર્વક લગ્નને રોકવા માટે તમામ જરૂરી પગલા લેવામાં આવશે. બીજી બાજુ ભારતીય વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે ધર્મ પરિવર્તનના મામલે રિપોર્ટની માંગ કરી છે. ભારતીય હાઈકમિશન પાસેથી રિપોર્ટની માંગ કરવામાં આવી છે. જેને લઈને ઈમરાનના મંત્રી પહેલા નારાજ દેખાયા હતા અને આને પાકિસ્તાનનો આંતરિક મામલો ગણાવ્યો હતો. જાકે મોડેથી ઈમરાનખાને તપાસનો આદેશ કર્યો હતો. પાકિસ્તાનના સૂચના મંત્રી ફવાદ ચૌધરીએ કહ્યું હતું કે આ મોદીનું ભારત નથી. જ્યાં લઘુમતીઓને પરેશાન કરવામાં આવે છે. ઈમરાનખાનના નવા પાકિસ્તાનમાં તમામ લોકો માટે નિયમો એકસમાન છે. જાકે મોડેથી પાકિસ્તાને ગુલાંટ મારી હતી અને બળજબરીપૂર્વક ધર્માંતરણનના મામલામાં તપાસનો આદેશ કર્યો હતો.