દેશની વણસી રહેલી આર્થિક સ્થિતીને લઇને નીતિ આયોગ દ્વારા ચિંતા વ્યક્ત કરવામાં આવ્યા બાદ અને રેટિંગ એ-જન્સી મુડી દ્વારા ભારતના સ્થાનિક વિકાસ દરને સુચિત ૬.૮ ટકાથી ઘટાડીને ૬.૨ ટકા કરી દેવામાં આવ્યા બાદ મોદી સરકારે તરત જ અર્થવ્યવસ્થામાં નવા પ્રાણ ફુંકવા માટે અનેક જાહેરાતો કરી દીધી છે.
તાજેતરમાં જ નીતિ આયોગના નાયબ અધ્યક્ષ રાજીવ કુમાર દ્વારા નિવેદન કરવામાં આવ્યુ હતુ. રાજીવ કુમારે કબુલાત કરી હતી કે દેશની આર્થિક સ્થિતી ૭૦ વર્ષમાં સૌથી વધારે ખરાબ છે. તેમના નિવેદન બાદ કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષોને સરકાર પર પ્રહારો કરવા માટે નવા હથિયારો મળી ગયા હતા. પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી અને મહાસચિવ પ્રિંયકા ગાંધી વાઢેરાએ ટ્વીટ કરીને કહ્યુ છે કે અમારી શંકા યોગ્ય હતી. હવે તો સરકારમાં બેઠેલા લોકો પણ આ વાતને સ્વીકારી રહ્યા છે. કોંગ્રેસના આ નેતાઓ કહી રહ્યા છે કે સરકાર સુધારાની જાહેરાત જરૂરિયાતવાળા લોકો માટે કરે તે જરૂરી છે. અમીર લોકોના હિતમાં સુધારાની જાહેરાત કરવાથી કોઇ ફાયદો થનાર નથી. જો કે સરકારના પગલાની અસર તરત જ દેખાઇ રહી છે. સરકારની જાહેરાત બાદ શેરબજારમાં ખુલતાની સાથે જ પ્રથમ દિવસે જોરદાર ઉછાળો રહ્યો હતો.
નાણાં પ્રધાન સીતારામને મંદીને દુર કરવા માટે સરકારી બેંકોને ૭૦ હજાર કરોડ રૂપિયા જારી કરવાની જાહેરાત કરી હતી. આ પેકેજના કારણે નાણાંકીય વ્યવસ્થામાં પાંચ લાખ કરોડ રૂપિયાના કેશ ફ્લોની શક્યતા દેખાઇ રહી છે. શેરબજારમાં મંદીને પહોંચી વળવા માટે લોન્ગ અને શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન પરપ બજેટમાં જાહેર કરવામાં આવેલા સરચાર્જને તેમજ વિદેશી મુડીરોકાણકારો પર વધારાના સરચાર્જને પરત લેવા માટેની જાહેરાત કરવામાં આવી હતી. સરકારે બીએસ ચાર વાહનોના નિર્માણ બંધ કરવા અને આવી ગાડીઓને તબક્કાવાર રીતે દુર કરવા માટેની વાત કરી હતી. જો કે ઉદ્યોગોમાં ભારે મંદીના કારણે સાથે સાથે ૧૦ લાખ રોજગાર પર સંકટને ધ્યાનમાં લઇને સરકાર બેકફુટ પર નજરે પડી હતી. હવે બીએસ ચાર વાહનો વર્ષ ૨૦૨૦ સુધી ખરીદી શકાય છે. વધારી દેવામાં આવેલા રજિસ્ટ્રેશન ચાર્જને પણ હાલમાં ટાળી દેવામાં આવ્યો છે.
આ તમામ જાહેરાતોના કારણે શેરબજાર, રિયલ એસ્ટેટ, ઓટો સેક્ટરમાં જોરદાર તેજી જામી ગઇ છે. જા કે વાસ્તવિક તેજી લાવવા માટે હજુ લાંબા ગાળાની યોજના પર કામ કરવાની જરૂર છે. આ સુધારાના કારણે રોજગારીની તકો વધશે. શિક્ષણ, મેડિકલ અને અન્ય ક્ષેત્રો પર તેની અસર દેખાય તે પણ ખુબ જરૂરી છે. આર્થિક ક્ષેત્રોમાં નિર્મલા સીતારામનની જાહેરાતોને મીની બજેટ તરીકે જાવામાં આવે છે. સાથે સાથે સરકારના પગલાની અસર તમામ વર્ગ સુધી પહોંચે તે પણ જરૂરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હાલમાં ફ્રાન્સમાં કહ્યુ હતુ કે ભ્રષ્ટાચાર અને ત્રાસવાદની સામે વધારે કઠોર પગલા લેવામાં આવનાર છે. કાશ્મીરમાં કલમ ૩૭૦ને નાબુદ કરવામાં આવ્યા બાદ હાલમાં જાહેર કરવામાં આવેલા આર્થિક પગલાની અસર બજાર પર રહેવાની શક્યતા છે. યુવાનોમાં નવી તાજગી આવે તેવા સંકેત પણ દેખાઇ રહ્યા છે.