અમદાવાદ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ઓક્ટ્રોય નાબૂદી બાદ પ્રોપર્ટી ટેક્સ આવકનું એક માત્ર સ્રોત છે. તંત્ર દ્વારા માર્ચ એન્ડિંગના કારણે પ્રોપર્ટી ટેક્સના ડિફોલ્ટરો સામે ભારે કડકાઇથી સીલિંગ ઝુંબેશ હાથ ધરાઇ છે. ગત તા. ૧ ફેબ્રુઆરીથી ગત તા. ૧૮ ફેબ્રુઆરી સુધીમાં તંત્રે ૧૧ હજારથી વધારે કોમર્શિયલ મિલકતોને તાળાં માર્યાં છે, જોકે સત્તાવાળાઓની સીલિંગ ઝુંબેશ સામે હવે ખુદ શાસક પક્ષ ભાજપના સભ્યોમાં વિરોધના સૂર ઉઠ્યા છે. જેને લઇ હવે એક નવો વિવાદ સામે આવ્યો છે. ખુદ ભાજપના જ સભ્યોએ નાના ડિફોલ્ટરોને બદલે મોટા ડિફોલ્ટરો વિરૂધ્ધ કાર્યવાહીની વાત ઉચ્ચારતાં મામલો ગરમાયો છે. ચાલુ નાણાકીય વર્ષ ૨૦૧૮-૧૯માં તંત્ર દ્વારા પ્રોપર્ટી ટેક્સ માટે રૂ. ૯૦૦ કરોડનો લક્ષ્યાંક નક્કી કરાયો છે,
જોકે તંત્રે નિર્ધાિરત લક્ષ્યાંકમાં ખાસ્સો ઘટાડો કર્યા બાદ પણ હજુ પણ પ્રોપર્ટી ટેક્સની આવકમાં ઉલ્લેખનીય વૃદ્ધિ થઇ નથી, જેના કારણે ગત તા. ૧ ફેબ્રુઆરીથી ટેક્સ વિભાગ દ્વારા રૂ. ૫૦ હજારથી વધુના પ્રોપર્ટી ટેક્સના ડિફોલ્ટરોની કોમર્શિયલ મિલકતોને સીલ મારવાની ઝુંબેશ હાથ ધરાઇ છે. તંત્રની સીલિંગ ઝુંબેશ હેઠળ ગત તા. ૧થી ૧૮ ફેબ્રુઆરી સુધીમાં કુલ ૧૧,૭૧૨ કોમર્શિયલ મિલકતોને તાળાં મારીને કુલ રૂ. ૫૩.૬૨ કરોડની આવક વસૂલાઇ છે, જ્યારે ચાલુ નાણાકીય વર્ષ ૨૦૧૮-૧૯માં પ્રોપર્ટી ટેક્સની આવક પેટે મ્યુનિસિપલ તિજોરીમાં રૂ. ૭૪૪.૦૩ કરોડ ઠલવાયા છે, જે ગત નાણાકીય વર્ષ ૨૦૧૭-૧૮ની સરખામણીમાં આશરે રૂ. ૯૧ કરોડ વધારે છે.
બીજી તરફ સત્તાવાળાઓની સીલિંગ ઝુંબેશ વધુ ને વધુ ઉગ્ર બની રહી હોઇ સવારથી ડિફોલ્ટરોમાં દોડધામ મચી છે, જોકે તાજેતરમાં મળેલી રેવન્યૂ કમિટીમાં તંત્રની સીલિંગ ઝુંબેશનો મુદ્દો જોરશોરથી ચર્ચાયો હતો. જેમાં રેવન્યૂ કમિટીના ચેરમેન ગૌતમ કથીરિયા, ડેપ્યુટી ચેરમેન ધનજી પ્રજાપતિ તેમજ અન્ય સભ્યોએ આશ્ચર્યજનક રીતે સીલિંગ ઝુંબેશ સામે અણગમો વ્યક્ત કર્યો હતો. ચેરમેન કથીરિયાએ તંત્રની આવકની પરવા કર્યા વગર એવી દલીલ કરી હતી કે શું કામ સત્તાવાળાઓ રૂ. દસ હજારના ટેક્સ ડિફોલ્ટરોની મિલકતને સીલ મારે છે? આના બદલે તંત્રે મોટા ડિફોલ્ટરો સામે વધુ કડકાઇ કરવી જોઇએ. જોકે કેટલાક સભ્યોએ અનૌપચારિક વાતચીતમાં એવી કબૂલાત કરી હતી કે, જે કોમ્પ્લેક્સમાં કોઇ ડિફોલ્ટરનો તંંત્રના ચોપડે રૂ. બે લાખનો ટેક્સ બાકી બોલતો હોય તેની મિલકતને સીલ કરતી વખતે રૂ. દસ હજાર કે તેથી વધુની રકમના ડિફોલ્ટરની મિલકતને સીલ કરવી શું ટેક્સ વિભાગનો ગુનો બને છે. આમાં તો તંત્ર પર ખોટી રીતે દબાણ કરાઇ રહ્યું છે. જા કે, હવે ખુદ અમ્યુકો શાસક પક્ષ ભાજપના જ સભ્યો દ્વારા સીલીંગ ઝુંબેશ સામે વિરોધના સૂર ઉઠતા અમ્યુકો સત્તાધીશો એક નવા વિવાદમાં આવ્યા છે.