પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વધારાનો દોર : લોકો પરેશાન

KhabarPatri News
By KhabarPatri News 3 Min Read

નવી દિલ્હી:દેશભરમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ભાવ વધારાનો દોર જારી રહ્યો છે. આજે મંગળવારના દિવસે પણ વધુ વધારો કરાયો હતો. આજે દિલ્હીમાં પેટ્રોલની કિંમતમાં ૧૦ પૈસાનો વધારો કરવામાં આવ્યો હતો. આની સાથે જ કિંમત વધીને ૮૨.૧૬ રૂપિયા થઇ ગઇ હતી. ડીઝલની કિંમત નવ પૈસા ઉછળીને ૭૩.૮૭ થઇ ગઇ હતી. મુંબઇમાં પેટ્રોલની કિંમત આજે વધીને ૮૯.૫૪ સુધી પહોંચી ગઇ હતી. અહીં ૧૦ પૈસાનો વધારો કરવામાં આવ્યો હતો. ડીઝલની કિંમત નવ પૈસા વધીને ૭૮.૩૨ થઇ ગઇ હતી. મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાં ગઇકાલે સોમવારે પેટ્રોલની કિંમત ૯૨ રૂપિયા કરતા પણ ઉપર પહોંચી ગઇ હતી.  ભારત દ્વારા તેની ક્રૂડ ઓઇલ પૈકીની ૮૦ ટકાની આયાત કરે છે. પેટ્રોલની કિંમતો છેલ્લા એક મહિનાના ગાળામાં છ ટકાથી પણ વધુ વધી જતા લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. ડિઝલની કિંમતમાં પણ આઠ ટકાનો વધારો થઇ ચુક્યો છે.

તેલ કંપનીઓએ પાંચમી સપ્ટેમ્બરને બાદ કરતા ૨૬મી ઓગસ્ટથી ૧૮મી સપ્ટેમ્બર વચ્ચેના ગાળામાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં સતત વધારો કર્યો છે. ક્રૂડની કિંમત વધતા અને ડોલરની સરખામણીમાં રૂપિયામાં ઘટાડો થતાં કંપનીઓ માટે ક્રૂડની આયાત મોંઘી થઇ છે. પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વધારાના કારણે તમામ રાજ્યો પર દબાણ આવી રહ્યુ છે. આ દબાણ વચ્ચે કેટલાક રાજ્યો વેટમાં ઘટાડો કરી ચુક્યા છે. જેમાં રાજસ્થાન અને આંધ્રપ્રદેશ બાદ હવે પશ્ચિમ બંગાળમાં વેટમાં ઘટાડો કરવામાં આવ્યો છે. જેથી આ ત્રેણય રાજ્યોમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ઘટાડો થયો છે. ભાવ વધારાને લઇને સરકારની ચારેબાજુ વ્યાપક ટિકા હાલમાં થઇ રહી છે.

એમ માનવામાં આવે છે કે પેટ્રોલ-ડિઝલની કિંમતમાં હજુ વધુ વધારો કરવામાં આવી શકે છે. જાકે કર્ણાટક વિધાનસભાની ચૂંટણી દરમિયાન પેટ્રોલ અને ડિઝલની કિંમતમાં કોઈ વધારો કરવામાં આવ્યો ન હતો. જેથી એવી અટકળો ચાલી રહી છે કે ચાર રાજ્યોમાં આગામી વિધાનસભા ચૂંટણી દરમિયાન સરકાર તેલની કિંમતો ઉપર અંકુશ મુકી શકે છે. અલબત્ત ચાર રાજ્યો રાજસ્થાન, મધ્યપ્રદેશ અને આંધ્રપ્રદેશ, પશ્ચિમ બંગાળે પહેલાથી જ પેટ્રોલ-ડિઝલની કિંમત પર વેટમાં ઘટાડો કર્યો છે. દેશભરમાં પેટ્રોલિયમ પેદાશોમાં વધી રહેલી કિંમતોના કારણે સરકાર અને વિપક્ષ આમને સામને છે. વિરોધ પક્ષો દ્વારા પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઇઝ ડ્યુટીમાં કાપની માંગ કરવામાં આવી રહી છે. ભાવ વધારા સામેના વિરોધમાં ગયા સોમવારે કોંગ્રેસ અને અન્ય પક્ષોએ ભારત બંધની હાકલ કરી હતી.

Share This Article