અમદાવાદ : સરદાર પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ હવે દાણચોરીનું હબ બની ગયું હોય એમ જણાય છે. અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં રહેતી એક મહિલાની કસ્ટમ વિભાગે ધરપકડ કરી તેની પુછપરછ કરતાં એવા ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા હતા, કે જે સાંભળી ખુદ કસ્ટમ, પોલીસ અને સુરક્ષા એજન્સીઓ પણ ચોંકી ઉઠી હતી. શહેરની આ મહિલાએ નિખાલસપણે કબૂલાત કરી હતી કે, તેણે છેલ્લા ચાર વર્ષમાં દુબઈની ૭૩ ટ્રીપ કરી ૪૨૦ કરોડનું ૧,૨૮૫ કિલો સોનું અમદાવાદમાં ઘુસાડયું હતું. બેગેજ હેન્ડલર જીગ્નેશ સાવલિયાને કસ્ટમ્સના અધિકારીઓએ અમદાવાદ એરપોર્ટ પર દાણચોરી કરતાં ઝડપયા બાદ અનેક પ્રકારના ઘટસ્ફોટ થયા છે. સેટેલાઈટના બીમાનગર પાસેના જીવનધામમાં રહેતી દિવ્યા ભુદિયા નામની મહિલાની ધરપકડ કરી હતી અને સમગ્ર મામલે હવે અત્યંત ઝીણવટભરી તપાસ શરૂ કરી છે.
ઉલ્લેખનીય છે કે, ગત તા.૩જી જૂને અમદાવાદ એરપોર્ટ પર ઇન્ટરનેશનલ ફ્લાઇટમાંથી ઊતરેલા લોકેશ શર્મા નામના પ્રવાસીની બેગ એરપોર્ટ બહાર બેગેજ હેન્ડલર જીગ્નેશ સાવલિયાને લઈ જતા કસ્ટમ્સના અધિકારીએ ઝડપી પાડ્યો હતો. જેમાં કસ્ટમના અધિકારીઓએ જીગ્નેશ સાવલિયા, લોકેશ શર્મા અને અખંડ જ્યોત જ્વેલર્સની દુકાનમાં કામ કરતા વિનેશ ઉર્ફે વિજય રાવલને ઝડપી લીધા હતા. તેઓની પૂછપરછમાં દાણચોરીનું મસ્ત મોટું રેકેટ હોવાનો ખુલાસો થયો હતો. વર્ષ ૨૦૧૪થી ૨૦૧૮ સુધી ચાર હજાર કિલો સોનું જેની અંદાજે કિંમત રૂ. ૧૩૦૦ કરોડ થવા જાય છે તેટલું અમદાવાદ લાવવામાં આવ્યું હતું. જેના બદલામાં જીગ્નેશને બે કરોડ રૂપિયા અખંડ જ્યોત જ્વેલર્સના માલિક રૂતુગા ત્રિવેદીએ આપ્યા હતા.
માણેકચોકમાં અખંડ જ્યોત જ્વેલર્સ દુકાનમાં માલિક રૂતુગા ત્રિવેદીની પત્ની હિના દુબઈથી લોકેશ શર્માને સોનાનો જથ્થો આપતી હતી. આ સોનાનો જથ્થો અમદાવાદના એરપોર્ટ ઉપર ગ્રાઉન્ડ હેન્ડલીંગ તરીકે ફરજ બજાવતા જીગ્નેશ સાવલિયાને આપવામાં આવતો હતો. જેના બદલામાં રૂ. ૧.૩૦ લાખ રૂતુગા ત્રિવેદી આપતો હતો. કસ્ટમની તપાસમાં ખુલ્યુ હતુ કે, અવની ટાવરમાં રહેતા હિતેન્દ્ર જયતીભાઈ રોકડ અને મેહુલ રસીકભાઈ ભીમાણીએ સોનું લાવવા માટે અત્યાર સુધી ૧૦૫ કરોડ રૂપિયા તબક્કવાર ફાઈનાન્સ કર્યુ હતું. બંનેની પુછપરછમાં સેટેલાઈટ બીમાનગર પાસે આવેલ જીવનધામમાં રહેતી દિવ્યા ભુદીયાનું નામ ખૂલ્યું હતું. જે દુબઇથી સોનુ લાવતી હોવાનો ઘટસ્ફોટ થયો હતો. જેથી તેની કસ્ટમ વિભાગે ધરપકડ કરી હતી અને તેની પૂછપરછ કરતાં ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા હતા. કસ્ટમ અને પોલીસની તપાસમાં આગામી દિવસોમાં હજુ વધુ મહત્વના ઘટસ્ફોટ થશે.