અમદાવાદ, : દેશભરમાં લોકસભા ચૂંટણીની મતગણતરી હાથ ધરાનાર છે ત્યારે આવતીકાલે તા.૨૩ મેના રોજ ગુજરાતની તમામ ૨૬ લોકસભા અને ચાર વિધાનસભા બેઠકોની પેટાચૂંટણીની મતગણતરી યોજાશે. પરિણામને લઇ અમદાવાદ સહિત રાજયભરમાં હાઇવોલ્ટેજ ડ્રામા સમાન ઉત્તેજના અને ઇન્તેજારી છવાઇ ગયા છે. ખાસ કરીને ભાજપ-કોંગ્રેસના ઉમેદવારો અને તેમના સમર્થકો-ટેકેદારોમાં જારદાર ઉત્સુકતા અને ઉત્તેજના છવાયેલી જાવા મળી રહી છે. આવતીકાલે સવારના ૮-૦૦ વાગ્યાથી મતણગતરી શરૂ કરવામાં આવશે. રાજ્યમાં ૨૬ સંસદીય મત વિસ્તાર અને ૩ પેટાચૂંટણી માટે ૨૭ મતગણતરી કેન્દ્રો તથા જામનગર(ગ્રામ્ય) વિધાનસભાની પેટાચૂંટણી માટે એક મતગણતરી કેન્દ્ર મળીને કુલ ૨૮ મતગણતરી કેન્દ્ર રાખવામાં આવ્યા છે. આ મતગણતરી માટે ૨૫૪૮ કાઉન્ટીંગ સુપરવાઈઝર, ૨૫૪૮ કાઉન્ટીંગ આસીસ્ટન્ટ તથા ૨૯૧૨ જેટલા માઈક્રો ઓબ્ઝર્વર સહિત કુલ ૮,૬૬૨નો સ્ટાફ નિયુક્ત કરવામાં આવશે. આ તૈયારીઓને જોતાં ગુજરાતનું પરિણામ લગભગ બે વાગ્યાની આસપાસ આવી જવાની શક્યતા છે.
જા કે, સત્તાવાર રીતે પરિણામ બધી ગણતરી પૂરી થયા બાદ મોડેથી જાહેર કરાશે.આ મતગણતરીને લઈ ત્રિસ્તરીય પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવશે. તેમજ મતગણતરીના દિવસે રિઝલ્ટસ.ઇસીઆઇ.ગવ.ઇન તથા વોટર હેલ્પલાઇન મોબાઇલ એપ(એન્ડ્રોઈડ એપ) પર મતગણતરીનું લાઈવ રિઝલ્ટ જોઈ શકાશે. દરેક મતગણતરી હોલ ખાતે વધુમાં વધુ ૧૪ મતગણતરી ટેબલ એક આરઓ(રિટર્નીંગ ઓફિસર)-એઆરઓ(આસીસ્ટન્ટ રિટર્નીંગ ઓફિસર)નું ટેબલ રહેશે. ૨૬ સંસદીય મત વિસ્તારના ૧૮૨ મદદનીશ ચૂંટણી અધિકારીઓ, ટપાલ મતપત્રો માટે ૧૦૩ મદદનીશ ચૂંટણી અધિકારીઓ રહેશે. ઇટીપીબીઝ(ઈલેક્ટ્રોનિકલી ટ્રાન્સમીટેડ પોસ્ટલ બેલેટ સિસ્ટમ)ની ચકાસણી-ગણતરી માટે ૧૫ મદદનીશ ચૂંટણી અધિકારીઓ, વિધાનસભાની પેટાચૂંટણીની મતગણતરી માટે ચાર મદદનીશ ચૂંટણી અધિકારીઓ મળીને કુલ ૧૨૨ વધારાના મદદનીશ ચૂંટણી અધિકારીઓ તથા ૨૬ સંસદીય મતવિસ્તાર તેમજ ચાર વિધાનસભા મત વિસ્તાર માટે ૪૧ ઓબ્ઝર્વર રહેશે. સમગ્ર મતગણતરીમાં કુલ ૨૫૪૮ કાઉન્ટિગ સુપરવાઈઝર, ૨૫૪૮ કાઉન્ટીંગ આસીસન્ટન્ટ તથા ૨૯૧૨ જેટલા માઈક્રો ઓબ્ઝર્વર નિયુક્ત કરવામાં આવ્યા છે.
તેમજ ટપાલ મત પત્રોની ગણતરી માટે સુપરવાઈઝર, આસિસ્ટન્ટ અને માઈક્રો ઓબ્ઝર્વ્સ મળીને કુલ ૩૦૯ જેટલા અધિકારીઓ રહેશે. આ સિવાય પણ ચૂંટણી અધિકારીની મદદ માટે રિઝર્વ તથા સર્પોટિંગ સ્ટાફ રહેશે. તમામ ઈવીએમની મતગણતરી થયા બાદ મોકપોલ ડેટા કલીયર નહીં કરવાને કારણે ચૂંટણીપંચે નિર્દેશ કરેલાં ૧૬ મતદાન મથકોના વીવીપેટ સ્લીપની ગણતરી ટેકનીકલ કારણોસર પરિણામ ડિસ્પ્લે નહીં થવાના કારણે ગણવાની થતી વીવીપેટની સ્લીપની ગણતરી ચૂંટણી અધિકારી દ્વારા નિયમ ૫૬(ઘ)ની જોગવાઈ હેઠળ નક્કી થયેલા મતદાન મથકોની વીવીપેટની સ્લીપની ગણતરી માટે દરેક વિધાનસભા મત વિસ્તારના ડ્રો દ્વારા પસંદ કરેલા પાંચ મતદાન મથકોની વીવીપેટ સ્લીપની ગણતરી હાથ ધરાશે. જ્યારે વિજેતા ઉમેદવારના વિજયી મતોનો તફાવત રદ કરવામાં આવેલ ટપાલ મતપત્રોની સંખ્યાથી ઓછો હોય ત્યારે રદ કરાયેલ ટપાલ મતપત્રોની ફરજીયાત ફેર ચકાસણી કરવામાં આવશે.