અમદાવાદ:ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે આજે ભાજપ પ્રદેશ કારોબારીની અતિમહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી જેમાં પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીએ દાવો કર્યો હતો કે, નરેન્દ્ર મોદી ફરી વડાપ્રધાન બનશે અને ગુજરાતમાં સંસદની ૨૬માંથી ૨૬ બેઠકો ઉપર ભાજપનો વિજય થશે. વાઘાણીએ આક્ષેપ કરતા કહ્યું હતું કે, એકબીજાને જાવાનું પસંદ નહીં કરનાર લોકો ગઠબંધન કરી રહ્યા છે. આ ગઠબંધન નહીં પરંતુ ઢગબંધન છે. ભાજપા પ્રદેશ ઉપાધ્યક્ષ આઇકે જાડેજાએ જણાવ્યુ હતુ કે, ભાજપા પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીની અધ્યક્ષતામાં એક દિવસીય પ્રદેશ કારોબારી બેઠક યોજાઇ. જેમાં પ્રદેશ પ્રભારી અને રાષ્ટ્રીય મહામંત્રી ભુપેન્દ્ર યાદવ, મુખ્યમંત્રી વિજય રૂપાણી તથા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની ઉપસ્થિતિમાં ત્રણ તબક્કામાં કામગીરી બાબતે ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.
આ કારોબારીમાં ઉપસ્થિત આગેવાનોને આવકારતા પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ જણાવ્યુ કે, દેશમાં જેઓ એકબીજાના મોઢા જોવા તૈયાર નથી તેવા લોકો ગઠબંધન કરી રહ્યા છે. આ ગઠબંધન નહી પરંતુ ઠગબંધન છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું નેતૃત્વબળ અને આદરણીય રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહના સંગઠનબળની તોલે કોઇ આવી શકે નહી. બાંગ્લાદેશના ઘુષણખોરો હોય કે રોહિંગીયા મુસલમાનો હોય તમામ બાબતે ભાજપાની નીતિ સ્પષ્ટ છે. ઘુષણખોરોનું આ દેશમાં કોઇ સ્થાન નથી. આ દેશના સંસાધનો પર દેશની જનતાનો જ હક છે. જીતુ વાઘાણીએ કેન્દ્ર સરકારની વિવિધ પ્રજાલક્ષી યોજનાઓ વિશે વિસ્તૃત માહિતી આપી હતી. આયુષ્યમાન ભારત – પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, જનધન યોજના, સ્ટાર્ટ અપ, સ્ટેન્ડ અપ, પ્રધાનમંત્રી આવાસ યોજના, ઉજાલા યોજના સહિતની કેન્દ્રની સવાસો કરતા વધુ યોજનાને કારણે દેશની જનતાને ખુબ મોટો લાભ થયો છે. વીમા કંપની જેનો વીમો લેવાની ના પાડે તેવા લોકોને પણ આયુષ્યમાન ભારત હેઠળ વીમા કવચ આપવાનું કામ કરીને કેન્દ્ર સરકારે સાચા અર્થમાં લોકસેવાનું કામ કર્યુ છે.
ખેડુતોની આવક આવનારા સમયમાં ડબલ થાય તે દિશામાં કેન્દ્ર સરકાર કામ કરી રહી છે. ખેડુતો માટે પ્રથમ વખત લધુતમ ટેકાના ભાવ ભાજપાના શાસનમાં જાહેર થયા છે. જીતુભાઇએ વધુમાં જણાવ્યુ હતુ કે, મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના નેતૃત્વમાં ગુજરાતમાં અનેક પ્રજાલક્ષી યોજનાઓ ચાલી રહી છે. મહિલા સુરક્ષા માટે ૧૮૧ અભયમ્ યોજના, વિધવા પેન્શનમાં વધારો, વિના મુલ્યે ઉચ્ચ શિક્ષણ, સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાનું તાત્કાલિક નિદાન સહિતની અનેક મહિલા હિતની યોજના અમલમાં મુકી છે. ખેડુતોને ટેકા મહત્તમ ભાવ ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવી રહ્યા છે. યુવાનોને રોજગારી મળી રહે તે માટે વિવિધ યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે. જીઆઇડીસીની યોજના પણ હાલમાં જાહેર થઇ છે. આમ, તમામ જાતિ-વર્ગ-સંપ્રદાયથી ઉપર ઉઠીને સૌના સાથ સૌના વિકાસ માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર કામ કરી રહી છે ત્યારે, વર્ષ ૨૦૧૯માં પણ ૨૬માંથી ૨૬ બેઠક જીતતા ભાજપાને કોઇ અટકાવી શકશે નહી. કોંગ્રેસને જેટલા ગપગોળા ચલાવવા હોય તે ચલાવે, જેટલી કુટનીતિ અપનાવવી હોય તે અપનાવે, સેવા કાર્યોનું ભાથું અને જનતા જનાર્દન આશીર્વાદ ભાજપા સાથે જ છે