ગાંધીનગરના સેકટર-૩૦મા  ડીજે બંધ કરાવવા ગયેલાં  કોન્સ્ટેબલ પર પીએસઆઈ સહિત ચાર ઈસમો ફરી વળ્યા

KhabarPatri News
By KhabarPatri News 3 Min Read

ગાંધીનગરનાં સેકટર – ૩૦ માં લગ્ન પ્રસંગે રાત્રે જોરશોરથી વાગતું ડીજે બંધ કરાવવા ગયેલા સેકટર – ૨૧ પીસીઆર વાનના કોન્સ્ટેબલને પીએસઆઇએ સિનિયર હોવાનો રુઆબ બતાવીને બિભત્સ ગાળો ભાંડી હતું. બાદમાં પી.એસ.આઈ સહિતના ચાર ઈસમો લાકડી વડે હૂમલો કરી કોન્સ્ટેબલને ફરી વળતા રાત્રે પોલીસ કાફલો દોડતો થઈ ગયો હતો. આ અંગે સેકટર – ૨૧ પોલીસ મથકમાં પીએસઆઇ શહેરી વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ગાંધીનગરમાં ખાખી વરદીની આબરૂના લીરેલીરા ઉડાવી પીએસઆઇએ અધિકારી હોવાનો રુઆબ મારી પીસીઆર વાનના કોન્સ્ટેબલને ધોઈ નાખતાં સેકટર – ૨૧ પોલીસ ટીમ દોડતી થઇ ગઈ હતી.

ગાંધીનગરના સેકટર – ૨૧ પોલીસ મથકમાં કોન્સ્ટેબલ રાહુલસિંહ વાઘેલાએ પીએસઆઇ શહેરી વિરુદ્ધ નોંધાવેલી ફરિયાદ મુજબ ગઈકાલે રાત્રિના સમયે પીસીઆર વાનમાં ડ્રાઇવર તરીકે ફરજ ઉપર હતા. ત્યારે ગાડીના ઈન્ચાર્જ તરીકે કોન્સ્ટેબલ જીગ્નેશ મહેન્દ્રભાઈ પણ સાથે હતા. આ દરમ્યાન પોલીસ કંન્ટ્રોલરૂમ દ્વારા સેક્ટ૨- ૩૦ ખાતે જોર જોરથી લાઉડ સ્પીકર વાગતા હોય બંધ કરાવવા માટેની વરધી આવી હતી. આથી પીસીઆર વાન લઈને બંને જણાં સેકટર – ૩૦ જ ટાઈપ ખાતે પહોંચ્યા હતા. જ્યાં લગ્ન પ્રસંગ અન્વયે ડીજે વાગતું હતું. એટલે રાહુલસિંહ બ્લોક નંબર ૬૩૨/બી/૧ ખાતે ગયા હતા. અને લગ્નમાં હાજર લોકોને રાત થઈ ગઈ હોવાથી ડીજે બંધ કરી દેવા જણાવ્યું હતું. આ દરમ્યાન એક વ્યક્તિ આગળ આવીને કહેવા લાગેલ કે અમારા ઘરે લગ્ન પ્રસંગ છે એટલે ડીજે બંધ નહીં થાય. જેથી કરીને કોન્સ્ટેબલે રાત્રીના દસ વાગ્યા પછી લાઉડસ્પીકર વગાડવાં ઉપર પ્રતિબંધ હોવાનું કહ્યું હતું. આ સાંભળી તે વ્યક્તિ કોન્સ્ટેબલ અને ઈન્ચાર્જ જીગ્નેશભાઈને બિભત્સ ગાળો બોલી કહેવા લાગેલ કે મને ઓળખતા નથી હું પીએસઆઇ શહેરી છું, અમદાવાદ રૂરલ માં ફરજ બજાવું છું. હુ લાઉડ સ્પીકર બંધ કરવાનો નથી તમારાથી જે થાય તે કરી લો. આથી પીએસઆઇને સમજાવતા તે એકદમ ઉશ્કેરાઈ જઈ કોન્સ્ટેબલ રાહુલસિંહનો કોલર પકડી ઝપાઝપી કરવા લાગેલ. આ જોઈને લગ્ન પ્રસંગમાં હાજર અન્ય ત્રણ ઈસમોને પણ શૂરાતન ચડયું હતું. અને કોન્સ્ટેબલને ફરી વળ્યા હતા. જે પૈકીના એક ઈસમે લાકડી લઈને હુમલો કર્યો હતો. જ્યારે પીએસઆઇ અને બીજા બે ઈસમો ફેંટો મારવા લાગ્યા હતા. આ જોઇને ગાડીના ઈન્ચાર્જ જીગ્નેશભાઈએ પોલીસ મથકે જાણ કરતાં બીજી પીસીઆર બોલાવી લીધી હતી. આથી પીએસઆઇ સહિતના ઈસમો વેગન આર ગાડીમાં બેસીને ભાગવા લાગ્યા હતા. ત્યારે રિવર્સ લેતી વેળાએ ગાડીને પીસીઆર વાન સાથે પણ અથડાવી દઈ ભાગી છૂટયા હતા. આ અંગે સેકટર – ૨૧ પોલીસે મથકના પીએસઆઇ અભિલાષ પ્રિયદર્શીએ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Share This Article