અમદાવાદ : ચોમાસાની સીઝનની શરૂઆત થઇ ગઇ છે ત્યારે વરસાદી માહોલ વચ્ચે અમદાવાદ શહેર સહિત રાજયભરમાં રોડ, રસ્તાઓની બિસ્માર સ્થિતિ પણ સામે આવી રહી છે તો ભુવા, ખાડાઓના કારણે પ્રજાજનોને પડી રહેલી હાલાકી અને તેના કારણે સર્જાતા અકસ્માતો ઘણીવાર ગંભીર પરિણામો લાવતા હોય છે. આવો જ એક કિસ્સો વડોદરા શહેરમાં સામે આવ્યો છે. વડોદરા શહેરના હરણી રોડ પર આવેલી વૃંદાવન ટાઉનશીપ પાસે મહાનગરપાલિકાના કોન્ટ્રાક્ટર દ્વારા આડેધડ ખોદકામ કરવામાં આવ્યું હતું. ખોદકામના કારણે કારમાં બેઠેલી ડોક્ટરની ગર્ભવતી પત્નીને પેટમાં જર્ક વાગતા દુખાવો થયો હતો અને તબિયત બગડી હતી. આ સમગ્ર ઘટના અંગે ગંભીરતા દાખવી ડોક્ટરે વારસીયા પોલીસ મથકમાં કોન્ટ્રાક્ટર વિરૂદ્ધમાં અરજી આપી હતી.
જે અરજીના અનુસંધાનમાં આજે પોલીસે રોહન કન્સ્ટ્રક્શન કંપનીના માલિક પિતા-પુત્રની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરતાં સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી. તો, આ કિસ્સો માત્ર વડોદરા જ નહી પરંતુ અમદાવાદ શહેર સહિત રાજયભરમાં અન્ય સ્થળોના નાગરિકો માટે પણ જાગૃતતા કેળવવા સમાન છે કે, જાહેર રસ્તાઓ અને રોડ પર પડેલા ખાડાઓના કારણે સર્જાતા અકસ્માતો અને આ પ્રકારે નાગરિકોને આકસ્મિક સ્થિતિનો ભોગ બનવુ પડતુ હોય છે.
કેટલાય કિસ્સામાં નાગરિકો, વાહનચાલકો, રાહદારીઓ આવા ખાડાખૈય્યાવાળા રસ્તાઓ કે, ભુવા કે ખાડાઓમાં પડવાના કારણે અથવા તો તેનાથી ફસડાઇ જવાના કારણે ગંભીર ઇજા કે કેટલીક વાર તો મૃત્યુનો પણ ભોગ બનતા હોય છે અને તેમછતાં લોકો પોલીસે કે સંબંધિત સત્તાવાળાઓ સમક્ષ ફરિયાદ કરવામાં ગંભીર ઉદાસીનતા દાખવતા હોય છે ત્યારે વડોદરાના ડોકટરનો આ કિસ્સો બહુ પ્રેરણાદાયી અને જાગૃતિ પૂરતો છે. આ અંગેની વિગત એવી છે કે, વડોદરાના હરણી રોડ ઉપર વૃંદાવન ટાઉનશિપમાં ડો. ભાર્ગવ પટેલ પરિવાર સાથે રહે છે. તેઓની સોસાયટી પાસે વરસાદી કાંસનું કામ ચાલતુ હતું. કોન્ટ્રાક્ટર દ્વારા આડેધડ ખોદકામ કરવામાં આવ્યું હતું. દરમ્યાન ડો. ભાર્ગવ પટેલ ગર્ભવતી પત્નીને લઇને નીકળ્યા હતા.
તેઓની ગાડી ખાડામાં પડતાં પત્નીના પેટમાં દુઃખાવો થયો હતો. કોન્ટ્રાક્ટર દ્વારા આડેધડ ખોદવામાં આવેલા ખાડાઓને પગલે ગર્ભવતી પત્નીને પેટમાં જર્ક વાગ્યો હોવાથી તેઓએ કોન્ટ્રાક્ટર વિરૂદ્ધ વારસીયા પોલીસ મથકમાં અરજી આપી હતી. જે અરજીના અનુસંધાનમાં વારસીયા પોલીસે તપાસ કરી રોહન કન્સ્ટ્રક્શનના માલિક અશોક ચૌધરી અને રોહન ચૌધરીની ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરી હતી. આમ, આ સમગ્ર ઘટના માત્ર અમદાવાદ શહેર જ નહી પરંતુ રાજયના અન્ય શહેરો, વિસ્તારો અને પંથકોના નાગરિકો માટે આ પ્રકારે કાયદાનો સદુપયોગ કરી આવા બેદરકાર કોન્ટ્રાકટર સહિતના તત્વો સામે કાયદાનુસાર કાર્યવાહી માટે જાગૃતિ પૂરી પાડે છે.