કડીમાં યુવતી પર દુષ્કર્મ આચરનાર આરોપી ૨૪ કલાકમાં જ ઝડપાયો

News KhabarPatri
By News KhabarPatri 2 Min Read

મહેસાણાના કડીમાં યુવતી પર બળાત્કાર ગુજાર્યા બાદ બર્બરતા આચરનાર આરોપીની પોલીસે ધરપકડ કરી છે. યુવતી સાથે મૈત્રી કરાર કરી દુષ્કર્મ આચરનાર યુવક આર્યન ચાવડા ઘટનાના ૨૪ કલાકમાં જ ઝડપાયો છે. પોલીસે કડીના કરણનગર વિસ્તારમાંથી આર્યન ચાવડાની ધરપકડ કરી છે. યુવતી સાથે બનેલી ઘટના સાંભળીને ભલભલાના રૂંવાડા ઉભા થઈ જાય છે. ૮ મહિના પહેલા આરોપી આર્યન અને વિરમગામની યુવતીએ બંનેના પરિવારજનોની સમજૂતિથી મૈત્રી કરાર કર્યો હતો.પરંતુ આર્યનનો સ્વભાવ માથાભારે હોવાથી તેમજ તે ગુનાહિત ઇતિહાસ ધરાવતો હોવાનું સામે આવતા યુવતીએ તેની સાથે તમામ સંબંધો કાપી નાખ્યા છે. જેના કારણે આર્યન ધૂંધવાઇ ગયો છે. શુક્રવારે આર્યન કાર લઇને વિરમગામ યુવતીના ઘરે પહોંચ્યો અને છેલ્લી વખત મળવાનું કહી નાસ્તો કરવાના બહાને યુવતીને બહાર લઇ ગયો હતો.

આર્યન સી.એન. કોલેજના ખુલ્લા મેદાનમાં કાર લઇ ગયો અને યુવતીને પોતાની સાથે સંબંધ જાળવી રાખવા જણાવ્યું.પરંતુ યુવતીએ ફરીથી આર્યન સાથે કોઈ સંબંધ રાખવાની ઘસીને ના પાડતા ઉશ્કેરાયેલા આર્યને યુવતીને લાતો વડે ફટકારી અને હાથ પર બચકાં પણ ભર્યા હતા. જે બાદ કારમાં યુવતી પર દુષ્કર્મ આચર્યું હતુ. સાથે જ જો આ મુદ્દે પોલીસને જાણ કરી તો યુવતીને સમાજમાં બદનામ કરી દેવાની તેમજ જાનથી મારી નાંખવાની ધમકી પણ આપી. શનિવારે સવારે આર્યને યુવતીને અર્ધનગ્ન કરી કણસતી હાલતમાં કડીના બલાસર ફાટક પાસે રોડ પર ફેંકી દીધી અને ત્યાંથી નાસી છૂટ્યો હતો. આસપાસમાંથી પસાર થતા લોકોએ આ મામલે પોલીસને જાણ કરતા પોલીસે યુવતીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડી હતી. મહત્વનું છે કે આરોપી આર્યન અગાઉ પણ જેલમાં જઇને આવેલો છે. એટલું જ નહીં આર્યન સાથે સંપર્કમાં આવેલી એક યુવતી અગાઉ આત્મહત્યા કરી ચૂકી છે. હાલ પોલીસે આર્યનની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.

Share This Article