દશકોથી રાજનીતિને પોતાનાથી દુર રાખનાર શિવ સેનાએ આ વખતે પરિવારિક પંરપરાને તોડીને ચૂંટણી મેદાનમાં ઉતરવાનો નિર્ણય કર્યા બાદથી એમ માનવામાં આવી રહ્યુ હતુ કે શિવ સેનાના વડા ઉદ્ધવ ઠાકરે હવે પોતાના પુત્ર આદિત્યને રાજનીતિમાં આગળ વધારી દેવા માટે ઇચ્છુક છે. આના માટે શિવ સેનાએ તાકાત પણ લગાવી હતી. વિધાનસભાની ચૂંટણી યોજાઇ હતી અને પરિણામ જાહેર કરવામાં આવ્યા હતા. શિવ સેનાના નેતા અને ઉદ્ધવના પુત્ર આદિત્ય પણ ચૂંટણી જીતી ગયા હતા.
જો કે ભારતીય જનતા પાર્ટી સાથે મળીને ચૂંટણી લડનાર શિવ સેનાને સારી સીટો મળી હતી. ભારતીય જનતા પાર્ટીને અપેક્ષા કરતા સહેજ ઓછી સીટો મળી હતી. ભાજપને ૧૦૫ સીટો મળ્યા બાદ ઉદ્ધવ ઠાકરને રાજકીય લાલત અને મહત્વકાંક્ષા જાગી હોવાનો અભિપ્રાય મોટા ભાગના રાજકીય પંડિતો આપે છે. રાજકીય પંડિતોના કહેવા મુજબ ઉદ્ધવને આ બાબતની ખબર પડી ગઇ હતી કે ભાજપ તેના ટેકા વગર કોઇ કિંમતે સરકાર બનાવી શકશે નહીં. જેથી રાજકીય મહત્વકાંક્ષા તેમની વધી ગઇ હતી.
આ જ કારણસર શિવ સેનાએ મુખ્યપ્રધાન પદ માટેનુ જિદ્દી વલણ અપનાવ્યુ હતુ. ભાજપ સાથે વાતચીત કરવાના બદલે શિવ સેનાએ કોંગ્રેસ અને એનસીપી સાથે વાતચીત શરૂ કરી હતી. તેમની મહત્વકાંક્ષાના કારણે ફેંકાઇ ચુકેલા શરદ પવાર ફરી સત્તાની દોડમાં સામેલ થઇ ગયા હતા. ઉદ્ધવે શિવ સેનાની વિચારધારાને પણ ફગાવી દઇને કોંગ્રેસ જેવા તેના નક્કર હરિફ પક્ષ સાથે હાથ મિલાવીને સરકાર બનાવી લેવા માટેની તૈયારી કરી છે. હવે સમય બતાવશે કે ઉદ્ધવની આ રાજકીય ચાલ સફળ રહેશે કે પછી ભારતીય જનતા પાર્ટીના મજબુત સંગઠનની સામે શિવ સેના હવે પતનની દિશામાં આગળ વધી જશે. ભાજપના દિગ્ગજ નેતાઓ મહારાષ્ટ્રમાં પૂર્ણ તાકાત લગાવશે તેમાં કોઇ બે મત નથી.