જી-૭ દેશોના નેતાઓએ રવિવારે ઈઝરાયેલ વિરુદ્ધ ઈરાનના સીધા અને અણધાર્યા હુમલાની આકરી નિંદા કરતા કહ્યું કે આ ઘટનાક્રમને કારણે આ ક્ષેત્રમાં અનિયંત્રિત તણાવ વધવાનો ખતરો છે. અમેરિકી રાષ્ટ્રપતિ જોબિડેને ટ્વીટ કર્યું, મેં મારા સાથી ય્૭ નેતાઓને ઈઝરાયેલ વિરુદ્ધ ઈરાનના અભૂતપૂર્વ હુમલા અંગે ચર્ચા કરવા માટે બોલાવ્યા. અમે પ્રદેશમાં પરિસ્થિતિને સ્થિર કરવા અને વધુ ઘટનાઓને રોકવા માટે સાથે મળીને કામ કરવાનું ચાલુ રાખીશું. આપને જણાવી દઈએ કે ઈરાને ઈઝરાયેલ પર ૩૦૦ થી વધુ ડ્રોન અને મિસાઈલ છોડી હતી. ઈરાને કહ્યું કે તેણે સીરિયામાં તેના વાણિજ્ય દૂતાવાસ પર ૧ એપ્રિલે થયેલા હુમલાના જવાબમાં આ હુમલો કર્યો હતો.
ઈઝરાયેલની સેનાએ રવિવારે કહ્યું કે ઈરાને શનિવારે મોડી રાત્રે હુમલો કર્યો અને તેના પર સેંકડો ડ્રોન, બેલેસ્ટિક મિસાઈલ અને ક્રુઝ મિસાઈલ છોડી દીધી. સૈન્ય પ્રવક્તાએ કહ્યું કે ૩૦૦ થી વધુ ડ્રોન અને મિસાઈલ છોડવામાં આવી હતી, જેમાંથી ૯૯ ટકા હવામાં નાશ પામ્યા હતા. જી-૭ દેશોના નેતાઓએ રાષ્ટ્રપતિ જો બિડેન દ્વારા એક કોન્ફરન્સ કોલ પછી એક સંયુક્ત નિવેદનમાં જણાવ્યું હતું કે આ પગલાં દ્વારા ઈરાને ક્ષેત્રને અસ્થિર કરવાની દિશામાં આગળ વધ્યું છે અને અનિયંત્રિત ક્ષેત્રીય તણાવને ઉશ્કેરવાનું જાેખમ ઊભું કર્યું છે. આ ટાળવું જોઈએ. અમે પરિસ્થિતિને સ્થિર કરવા અને તણાવને વધતો અટકાવવા માટે કામ કરવાનું ચાલુ રાખીશું. “અમે માંગણી કરીએ છીએ કે ઈરાન અને તેના પ્રોક્સી સાથી તેમના હુમલાઓ બંધ કરે અને અમે વધુ અસ્થિર પહેલના જવાબમાં આગળ કાર્યવાહી કરવા માટે તૈયાર છીએ,” ઈરાન દ્વારા શનિવારે ઈઝરાયેલ પરના હુમલાના એક દિવસ બાદ જારી કરાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે.
જી-૭ જૂથમાં અમેરિકા, ઇટાલી, જાપાન, જર્મની, ફ્રાન્સ, બ્રિટન અને કેનેડાનો સમાવેશ થાય છે. જૂથે ઇઝરાયેલ અને તેના લોકો માટે સંપૂર્ણ એકતા અને સમર્થન વ્યક્ત કર્યું અને તેની સુરક્ષા માટે તેની પ્રતિબદ્ધતાની પુનઃ પુષ્ટિ કરી. બિડેને જોર્ડનના રાજા અબ્દુલ્લા II સાથે ફોન દ્વારા ઇઝરાયેલ સામે ઈરાનના અણધાર્યા હુમલા અંગે ચર્ચા કરવા માટે પણ વાત કરી હતી. સુરક્ષા પરિષદના સભ્યો ઈરાન દ્વારા ઈઝરાયલ વિરુદ્ધ કરવામાં આવેલા હવાઈ હુમલા અંગે ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્રના મુખ્યાલયમાં ઈમરજન્સી બેઠક યોજશે. ઇઝરાયેલે આ બેઠક માટે વિનંતી કરી છે જેનો એજન્ડા પશ્ચિમ એશિયાની સ્થિતિ હશે.