મધ્ય પ્રદેશમાં ચૂંટણીનો સમય ખુબ નજીક આવી રહ્યો છે, આ સ્થિતિ વચ્ચે ભાજપ પર ડમી મતદારો તૈયાર કરવાના આરોપો લગાવવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે મધ્યપ્રદેશમાં હાલ ભાજપની સરકાર છે. કોંગ્રેસે રવિવારે જણાવ્યું હતું કે મધ્ય પ્રદેશમાં ભાજપે મતદાર યાદીમાં અનેક ડુપ્લીકેટ નામોનો ઉમેરો કરી દીધો છે. પોતાને ફાયદો પહોંચાડવા માટે ભાજપે આવું કર્યું છે.
આ અંગે કોંગ્રેસે દાવો કર્યો છે કે અમારી પાસે પુરાવા પણ છે. ચૂંટણી પંચ સમક્ષ પણ કોંગ્રેસે આ અંગે રજુઆત કરી હતી. રવિવારે કોંગ્રેસના વરીષ્ઠ નેતા અને સાંસદ કમલનાથ અને જ્યોતિરાદીત્ય સિંધિયાએ એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં તેઓએ કેટલાક પુરાવા સાથે દાવો કર્યો હતો કે મધ્ય પ્રદેશની વસતી ૨૪ ટકા વધી છે. જોકે મતદારોની સંખ્યામાં ૪૦ ટકાનો વધારો થયો છે. આ આંકડા ખરેખર હેરાન કરનારા છે. કોંગ્રેસે દાવો કર્યો છે કે મધ્ય પ્રદેશની મતદાર યાદીમાં આશરે ૬૦ લાખ જેટલા ડમી કે બનાવટી મતદારોનો સમાવેશ ભાજપે કરી દીધો છે.
ચૂંટણીમાં ફાયદો લેવા માટે ભાજપે આમ કર્યુ છે. કોંગ્રેસે ચૂંટણી પંચ સમક્ષ પાંચ માંગો પણ મુકી છે. જેમાં મતદાર યાદીની ફરી તપાસ કરવામાં આવે તેવી માગણી પણ મુકી છે. આ ઉપરાંત કોંગ્રેસે માગણી કરી હતી કે દરેક રિટર્નિંગ ઓફિસર પાસેથી સર્ટિફિકેટ પણ માગવું જોઇએ. જેઓએ પણ બનાવટી મતદારોનો સમાવેશ યાદીમાં કર્યો હોય તેમની વિરુદ્ધ આકરા પગલા લેવામાં આવે. આગળની યાદીમાં પણ જો ગડબડી સામે આવે તો અધિકારી વિરુદ્ધ કાર્યવાહી કરવામા આવે.