અમદાવાદ : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સોલા સાયન્સ સિટી રોડ પર મ્યુનિસિપલ પ્લોટમાં ૧૦૮ રોપા લગાવી મિશન મિલિયન ટ્રીઝ પ્રોજેક્ટનું સમાપન કરશે. જે પ્લોટમાં તેઓ ૧૦૮ રોપા લગાવશે તે મેદાનમાં ઓક્સિજન પાર્ક ડેવલપ કરવામાં આવશે. આ પાર્કની સારસંભાળ સ્થાનિક નાગરિકો કરશે. અમદાવાદ શહેરમાં હાલ ૧૦૧ જેટલા ઓકિસજન પાર્ક છે. જૉ કે, તેની જાળવણીને લઇ નગરજનોમાં પણ એટલી જ જાગૃતિ વધે તે જરૂરી છે. શહેરને હરિયાળું બનાવવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને મિશન મિલિયન ટ્રીઝ પ્રોજેક્ટ શરૂ કર્યો હતો.
ગત તા. ૫ જૂને વિશ્વ પર્યાવરણ દિવસથી તા.૩૧ ઓગસ્ટ સુધીના સમયગાળા દરમિયાન દસ લાખ વૃક્ષ લગાવવાનો લક્ષ્યાંક અધિકારીઓને આપવામાં આવ્યો હતો. ગૃહમંત્રી અમિત શાહ હવે આવતીકાલે મિશન મિલિયન ટ્રીઝનું સમાપન કરવામાં આવશે. સોલા સાયન્સ સિટી વિસ્તારમાં વર્ટીસ ફ્લેટની બાજુમાં આવેલ મ્યુનિસિપલ પ્લોટમાં અમિત શાહ ૧૦૮ રોપા લગાવી પ્રોજેક્ટ સમાપન કરશે. આ પ્લોટને ઓક્સિજન પાર્ક તરીકે વિક્સાવવાશે. અત્યારે અમદાવાદ શહેરમાં ૧૦૧ ઓક્સિજન પાર્ક છે.
સોલાના જૂના તળાવને પણ ડેવલપ કરવામાં આવશે. સાયન્સ સિટી વિસ્તારની સોસાયટીઓના ચેરમેન સેક્રેટરીઓને પણ વૃક્ષારોપણ માટે આમંત્રણ આપવામાં આવ્યા છે. અમદાવાદ શહેરમાં પ્રદૂષણની માત્રા વધી રહી છે, તેથી પ્રદૂષણ માત્રામાં ઘટાડો થાય અને નાગરિકોને શુદ્ધ હવા મળી રહે તે માટે ૧૦૧ પ્લોટમાં ઓક્સિજન પાર્ક વિકસાવવામાં આવી રહ્યાં છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તૈયાર કરવામાં આવેલ ઓક્સિજન પાર્કમાં ૬૨૭૯૭ મોટા વૃક્ષ અને ૫૨૮૦ નાના ફૂલ-છોડ લગાવવામાં આવ્યા છે. ગાર્ડન હોય તેવા સ્થળો પર ઓક્સિજન પાર્ક ડેવલપ કરવામાં આવી રહ્યા છે. શહેરનાં વિવિધ ઈન્ડ.એસ્ટેટ તથા મનપાના એસટીપી પ્લાન્ટ અને વોટર ડી. સેન્ટરોની ખુલ્લી જગ્યામાં ઓક્સિજન પાર્ક ડેવલપ કરવામાં આવી રહ્યાં છે.
મ્યુનિસિપલ કોર્પોરેશનના મિશન મીલીયન ટ્રીઝ પ્રોજેક્ટમાં ઓક્સિજન પાર્ક અને મીયાવાંકી સિસ્ટમ પર ભાર મૂકવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ અંતર્ગત ૪૦ પ્લોટમાં મીયાવાંકી પદ્ધતિથી પ્લાન્ટેશન કરવામાં આવ્યું છે. જેમાં ૧.૨૯ લાખ મોટા વૃક્ષ અને ૧૨૮૫૦ ફૂલછોડ લગાવવામાં આવ્યા છે. મધ્યઝોનના બે અને પૂર્વ ઝોનમાં પાંચ પ્લોટમાં મીયાવાંકી પદ્ધતિથી પ્લાન્ટેશન કરવામાં આવ્યું છે. ગોતા ઉકતી તળાવ પાસે ૨૫ હજાર પ્લોટ વૃક્ષ મીયાવાંકી પદ્ધતિથી લગાવવામાં આવ્યા છે. ખોખરા-મહેમદાવાદ-ઘોડાસર અને રામોલની ટી.પી.સ્કીમમાં અંદાજે ૭૬૦૦ ચો.મી.જમીન પર મીયાંવાકી વૃક્ષારોપણ કરવામાં આવશે.