અમદાવાદ : આજરોજ ભાજપા પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે ભાજપા પ્રદેશ આદિજાતિ મોરચાના પ્રમુખ મોતી વસાવાની અધ્યક્ષતામાં અનુસૂચિત જનજાતિ મોરચાની બૃહદ કારોબારી બેઠક યોજાઇ હતી. જેમાં ભાજપા સંગઠન મહામંત્રી ભીખુ દલસાણીયા, મહામંત્રી ભરતસિંહ પરમાર તથા કેબીનેટ મંત્રી ગણપતભાઇ વસાવાએ ઉપસ્થિત રહી માર્ગદર્શન આપ્યુ હતુ. પ્રદેશ આદિજાતિ મોરચાની બેઠકમાં હાજર અપેક્ષિત કાર્યકરોને સંબોધતા કેબીનેટ મંત્રી ગણપતભાઇ વસાવાએ જણાવ્યુ હતુ કે, આદિવાસી સમાજ હંમેશા ભાજપા સાથે જ રહ્યો છે અને રહેશે.તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના શાસનમાં આદિવાસી વિસ્તારમાં વિકાસના ખૂબ કામો થયા છે.
વનબંધુ યોજના હેઠળ ૧૫ વર્ષમાં ભાજપા સરકારે આદિવાસી વિસ્તારમાં ૮૦,૦૦૦ કરોડના વિકાસના કાર્યો કર્યા હતા. જ્યારે કોંગ્રેસે આદિવાસી સમાજ માટે ૪૦ વર્ષમાં ફક્ત ૬૫૦૦ કરોડ રૂપિયાના કાર્યો કર્યા હતા. મુખ્યમંત્રી વિજય રૂપાણીની સંવેદનશીલ સરકારે ‘‘પેસા એક્ટ’’ ના અમલ દ્વારા આદિવાસીઓને તેમની જમીનના હક્કો તથા વનપેદાશોના હક્કો આપી આદિવાસીઓના હિતનું ઉમદા કાર્ય કર્યુ છે. વર્ષો સુધી કોંગ્રેસે આદિવાસી સમાજને છેતરવાનું કામ કર્યુ છે.
કોંગ્રેસે આદિવાસી સમાજનો ફક્ત મતબેંક તરીકે જ ઉપયોગ કર્યો છે પરંતુ છેલ્લા ઘણા સમયથી આ સમાજ જાગૃત થઇ ગયો છે અને હવે કોંગ્રેસના જુઠ્ઠાણામાં ક્યારેય આવવાનો નથી. આદિવાસીની જમીન સંદર્ભે કોંગ્રેસ દ્વારા થઇ રહેલા અપપ્રચાર સામે કોગ્રેસને આડે હાથે લેતા વસાવાએ જણાવ્યુ હતુ કે, આદિવાસી સમાજને ૧૩ લાખ હેકટર જમીનના અધિકાર પત્ર આપવાનું કાર્ય ભાજપએ કર્યુ છે ત્યારે હાલમાં જ તાપી જીલ્લાના સોનગઢ ખાતે ૯૦૦૦ ખેડુતોને અધિકાર પત્ર આપવામાં આવ્યા છે. ખેડુતોની જમીન છીનવાનું પાપ કોંગ્રેસે કર્યુ હતુ, નર્મદા ડેમ સમયે ગરીબ આદિજાતિ સમાજના ખેડુતોની જમીન છીનવી લઇ તેઓને ફક્ત ૬૫ રૂપિયાનું વળતર આપ્યુ હતુ જ્યારે હાલમાં જ ‘‘સ્ટેચ્યુ ઓફ યુનિટિ’’ના નિર્માણમાં ભાજપાએ એકપણ ખેડુતની જમીન સંપાદન કરી નહોતી ફક્ત કોઝવે બનાવવા માટે ૮૦ ખેડુતોની જમીન બજારભાવે ખરીદી હતી અને તે પણ ખેડુતોની રાજીખુશીથી.
આદિવાસી ખેડુતોની જમીન બચાવવા માટે ભાજપાએ સુપ્રિમ કોર્ટમાં પીટીશન દાખલ કરી મનાઇ હુકમ મેળવ્યો છે જે આદિવાસી સમાજ પ્રત્યે ભાજપાની પ્રતિબધ્ધતા બતાવે છે તેમ શ્રી વસાવાએ અંતમાં જણાવ્યુ હતુ.