૧૫૦૦ લોકોના ટોળાએ ગોમતીપુર પોલીસ સ્ટેશનનો ઘેરાવો કેમ કર્યો?
વડગામ ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીનો અભિવાદન સમારંભ ગોમતિપુર ખાતે યોજાઇ રહ્યો ત્યારે કેટલાંક સ્થાનિક લોકોએ મેવાણીને જણાવ્યું કે અહીં દારુના અડ્ડા ધમધમી રહ્યા છે અને તે બાબતે રોષ ઠાલવ્યો હતો. આ વિશે સાંભળતા જ મેવાણી સીધા જ ગોમતીપુર પોલીસ સ્ટેશન ખાતે પહોંચી ગયા હતા અને તેમની સાથે ૧૫૦૦ સ્થાનિક લોકોનું ટોળું પણ ધસી ગયું હતુ. સ્થાનિક લોકો દ્વારા પણ એવી ફરિયાદ કરવામાં આવી હતી કે વારંવાર ફરિયાદ કરવા છતા કોઇ કાર્યવાહી કરવામાં આવતી નથી.
ગોમતીપુર વિસ્તારમાં ધમ-ધમતા દારૂના અડ્ડાઓ જો ૨૪ કલાકમાં બંધ નહીં થાય અને જો પોલીસ કાર્યવાહી કરવામાં નહીં આવે તો ધરણાં કરવાની ચીમકી આપી હતી. આ વિસ્તારમાં જ્યારે દર ત્રીજી ગલીએ દારુના અડ્ડાઓ ચાલી રહ્યાં છે. આ અડ્ડાઓનો આંકડો ૮૦થી વધુ હોઇ શકે છે. જો સમયસર આ વિશે કોઇ કાર્યવાહી કરવામાં નહીં આવે તો અમે આ બાબતે ધરણાં કરી આ બદી દૂર કરાવીશું. તેમ ધારાસભ્ય મેવાણીએ જણાવ્યું હતું.
આ ઘટનાને પગલે ક્રાઇમ બ્રાન્ચ જેસીપી જે.કે.ભટ્ટ સહિત ડીસીપી કાફલો દોડી આવ્યો હતો. અને આ બાબતે ઘટતું કરવા બાંહેધરી આપી હતી.