પણજી : ગોવાના મુખ્યપ્રધાન અને ભૂતપૂર્વ કેન્દ્રિત પ્રધાન મનોહર પારિકરનું પાર્થિવ શરીર આજે પંચમહાભુતમાં વિલિન થયું હતું. ગોવાના મીરમાર્ગ બીચ ઉપર રાજકીય સન્માન સાથે પારીકરનું અંતિમ સંસ્કાર કરવામાં આવ્યું હતું. પારીકરના શવ ઉપર પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવ્યા બાદ તોપની સલામી આપવામાં આવી હતી. મનોહર પારીકરના પુત્ર દ્વારા તેમને મુખાÂગ્ન આપવામાં આવી હતી. મનોહર પારીકરને અંતિમ વિદાય આપવા માટે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગોવા રાજ્યપાલ મૃદુલા સિંહા, ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અમિત શાહ, સંરક્ષણમંત્રી નિર્મલા સીતારામન અને અન્ય નેતાઓ પણ ગોવા પહોંચ્યા હતા. મનોહર પારીકરની અંતિમ યાત્રામાં પહોંચેલા કેન્દ્રીયમંત્રી સ્મૃતિ ઇરાની ભાવનાશીલ બની ગયા હતા. શ્રદ્ધાંજલિ સભામાં સ્મૃતિ ઇરાની રડી પડ્યા હતા. પોતાની સાદગી અને સરળતા માટે મનોહર પારીકર ખુબ જાણિતા હતા.
ગોવાના તમામ લોકો પારીકરના દર્શન માટે આતુર દેખાયા હતા. અગાઉ તેમના અવસાન બાદ ગોવામાં સાત દિવસના રાષ્ટ્રીય શોકની જાહેરાત કરવામાં આવી હતી. બીજા બાજુ પારિકરને શ્રદ્ધાંજલિ આપવા માટે મોટી સંખ્યામાં લોકો તેમના આવાસ પર પહોંચ્યા હતા. મોડેથી તેમના પાર્થિવ શરીરને ભાજપ ઓફિસ પર લઇ જવામાં આવ્યા બાદ ત્યાં પણ મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા હતા. મનોહર પારિકરના આવાસ પર અગાઉ તેમના પાર્થિવ શરીરને લઇ જવામાં આવ્યો હતો. જ્યાં તેમના સમર્થકો શ્રદ્ધાંજલિ આપવા માટે ઉમટી પડ્યા હતા. મોડેથી સંપૂર્ણ રાજકીય સન્માન સાથે તેમના અંતિમસંસ્કાર કરવામાં આવ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ પહોંચ્યા હતા. ભાજપના તમામ નેતાઓ શ્રદ્ધાંજલિ આપવા માટે પહોંચી ગયા હતા. સાત દિવસના રાષ્ટ્રીય શોકની જાહેરાત પણ કરવામાં આવ્યા બાદ ગોવામાં તમામ ઇમારતો પર રાષ્ટ્રીય ધ્વજઅડધી કાઠીએ રહેશે.
ગઇકાલે રવિવારે સાંજે પારિકરનુ લાંબી માંદગી બાદ અવસાન થતાં ભાજપમા અને તેમના સમર્થકોમાં આઘાતનું મોજુ ફરી વળ્યું હતું. ૬૩ વર્ષીય મનોહર પારીકર લાંબા સમયથી કેન્સરથી ગંભીર સંઘર્ષ કરી રહ્યા હતા. ફેબ્રુઆરી ૨૦૧૮માં જ મનોહર પારીકરને પેનક્રિયાટીક કેન્સર હોવાની જાણ થઇ હતી. તેઓ ગોવા, મુંબઈ, દિલ્હી અને ન્યુયોર્કની હોÂસ્પટલમાં સારવાર લઇ ચુક્યા હતા. જે દિવસોમાં તેઓ ગંભીર બિમાર હતા ત્યારે પણ રાજ્યની વિધાનસભામાં ૨૦૧૯-૨૦નું બજેટ કરવા માટે પહોંચ્યા હતા. જૂન ૧૯૯૧માં મનોહર પારીકરે રાજનીતિમાં એન્ટ્રી કરીને નોર્થ ગોવા બેઠક પરથી લોકસભા ચૂંટણી લડી હતી પરંતુ કોંગ્રેસના ઉમેદવાર સામે હારી ગયા હતા. ચાર સભ્યો સાથે ગોવા વિધાનસભામાં નવેમ્બર ૧૯૯૪માં ભાજપે એન્ટ્રી કરી હતી. મનોહર પારીકર નંબર ૧૩ને લઇને હંમેશા શુભ ગણતા હતા. તેમના વાહનના નંબરમાં પણ ૧૩ ઉમેરતા હતા જ્યારે તેઓ ઓફિસમાં હતા ત્યારે વાહન નંબર ૧૩૧૩ રાખવામાં આવ્યો હતો. વર્ષ ૨૦૦૦માં મુખ્યમંત્રી પદ સંભાળતા પહેલા જ તેમના પત્નીનું પણ કેન્સરના કારણે નિધન થયું હતું.
ગોવામાં મુખ્યમંત્રી તરીકે લાંબા ગાળા સુધી તેઓએ સેવા આપી હતી. નવેમ્બર ૨૦૧૪માં ઉત્તરપ્રદેશમાંથી રાજ્યસભા માટે ચૂંટાઈ આવ્યા હતા. ૧૮મી સપ્ટેમ્બર ૨૦૧૬ના દિવસે જ્યારે ઉરીમાં ત્રાસવાદીઓ દ્વારા હુમલો કરીને ૧૯ જવાનોને મોતને ઘાટ ઉતારી દીધા ત્યારે મનોહર પારીકર દેશના સંરક્ષણ મંત્રી તરીકે હતા. ત્યારબાદ ભારતે પ્રથમ વખત એલઓસી પાર કરીને ત્રાસવાદી કેમ્પોને સર્જિકલ હુમલાથી ફુંકી માર્યા હતા. ૨૦૧૭માં ગોવામાં જ્યારે જરૂર પડી ત્યારે તેઓએ સંરક્ષણ મંત્રી તરીકે રાજીનામુ આપીને ચોથી વખત ગોવાના મુખ્યમંત્રી બન્યા હતા. તમામ રાજકીય પક્ષોના નેતાઓ પારિકરને શ્રદ્ધાંજલિ આપવા માટે પહોંચી રહ્યા છે. તેમના આવાસ પર અને ભાજપની ઓફિસ પર પણ કાર્યકરો ઉમટી પડ્યા છે. પારિકર તેમની સાદગીના કારણે જાણીતા હતા.