કાશ્મીર : જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓ તરફથી કાયરતાપૂર્વકના કૃત્ય જારી રહ્યા છે. ખીણમાં સતત અશાંતિ ફેલાવવાના પ્રયાસ જારી રહ્યા છે. ત્રાસવાદીઓએ આજે વધુ એક કાયરતાપૂર્વકની હરકત કરી હતી. આતંકવાદીઓએ બાનમાં પકડી રાખવામાં આવેલા ૧૨ વર્ષના માસૂમ બાળકની હત્યા કરી દીધી હતી. માસૂમ બાળકના માતા-પિતાએ આતંકવાદીઓને બાળકને છોડી દેવા સતત અપીલ કરી હતી પરંતુ આતંકવાદીઓના મન ઉપર કોઇ અસર થઇ ન હતી.
પોલીસના પ્રવક્તાએ માહિતી આપતા કહ્યું છે કે, જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદીઓ કેટલાક વિસ્તારમાં હજુ પણ સક્રિય છે. બાંદીપોરા જિલ્લાના મીર મોહલ્લાના બે આતંકવાદીઓ માર્યા ગયા છે. ત્રાસવાદીઓ આ બાળક સહિત બે લોકોને બાનમાં પકડી લીધા હતા. જો કે, એક નાગરિકને બચાવી લેવામાં પોલીસ સફળ રહી છે. માસુમ બાળકની હત્યા કરવામાં આવ્યા બાદ સ્થાનિક લોકોમાં નારાજગીનું મોજુ ફરી વળ્યું છે. આતંકવાદીઓ દ્વારા નાપાક હરકત જારી રાખવામાં આવતા સ્થિતિમાં સુધારો થવાના સંકેત ઓછા દેખાઈ રહ્યા છે. એક પછી એક આતંકવાદીઓ પણ ઠાર થઇ રહ્યા છે.
આ વર્ષે જ ૫૦થી વધુ આતંકવાદીઓને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા છે જ્યારે વર્ષ ૨૦૧૮માં ૨૬૦થી પણ વધુ આતંકવાદીઓ માર્યા ગયા હતા. સરહદ ઉપર અંકુશરેખા નજીક પાકિસ્તાને ગોળીબાર જારી રાખીને ત્રાસવાદીઓને ભારતમાં ઘુસાડવાના પ્રયાસો પણ યથાવતરીતે જારી રાખ્યા છે જેથી જમ્મુ કાશ્મીરમાં કટ્ટરપંથીઓ હજુ પણ મદદ મેળવી રહ્યા છે. સરકારે તેમની આર્થિક ગતિવિધિ ઉપર બ્રેક પણ મુકી છે