અમદાવાદ : વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવનું બેબાક નિવેદનો આપવા માટે ઉત્સાહી રહે છે. તેઓ અવારનવાર પોતાના નિવેદનોના કારણે ચર્ચામાં રહેતા હોય છે. હાલમાં ભારત-પાકની તણાવભરી સ્થિતિ વિશે પણ તેમણે પોતાની પ્રતિક્રિયા આપી હતી. ખાસ કરીને ભારતીય વાયુસેનાના વિંગ કમાન્ડર અભિનંદન વર્થમાનના શૌર્ય અને વીરતાને તેમણે બિરદાવી હતી અને સાથે સાથે પાકિસ્તાનની નાપાક હરકતને લઇ જણાવ્યું હતું કે, મને આત્મઘાતી બોંબર બનાવીને પાકિસ્તાન મોકલાય તો, હું ૫૦૦ આંતકવાદીઓને ઉડાવી મારવા તૈયાર છું.
મધુ શ્રીવાસ્તવના આ નિવેદનને લઇ ફરી એકવાર રાજકીય વર્તુળમાં ચર્ચા તેજ બની છે. વાઘોડિયાના બાહુબલી ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે વિંગ કમાન્ડર અભિનંદનનાં ભારત પરત આવતા તેમને ખાસ અભિનંદન પાઠવ્યા હતા અને તેમની બહાદુરી અને વીરતાને બિરદાવી હતી. ધારાસભ્ય શ્રીવાસ્તવે સાથે સાથે પાકિસ્તાનની નાપાક હરકતોને લઇને પણ આકરા અને તેજાબી પ્રહારો કર્યા હતા. ભાજપના આ ધારાસભ્યએ જણાવ્યું હતું કે, પાકિસ્તાન સતત તેની ુનાપાક હરકતો કરતું રહયુ છે અને વર્ષોથી આંતકવાદને છાવરતુ રહ્યું છે. પાકિસ્તાન જ આતંકવાદને પ્રોત્સાહન આપે છે, તેના કારણે આતંકવાદીઓ છાશવારે ભારત પર હુમલો કરે છે.
તાજેતરમાં જમ્મુ-કાશ્મીરના પુલવામાં ખાતે જે પ્રમાણે ૪૪ જેટલા જવાનો પર આતંકવાદીએ હુમલો થયો અને આ જવાનો શહીદ થયા તે આઘાતજનક વાત છે. મારા પિતાજી આર્મીમાં હતા અને તેમને એ સમયે લાહોરની ધરતી પર જંગ જીત્યા હતા. આ બાહુબલી નેતાએ એવું પણ કહ્યું કે,મારી સરકારને અપીલ છે કે મને આત્મઘાતી બોંબર બનાવી શસ્ત્રો સાથે પાકિસ્તાન મોકલી દે હું જવા માટે તૈયાર છું.
આપણા ૪૪ જવાન શહીદ થયા તો હું પાકિસ્તાનમાં પહોંચી ૫૦૦ આતંકવાદીને મોતને ઘાટ ઉતારીશ, હું પણ પાકિસ્તાન જવા તૈયાર છું અને મારી સાથે મારા કાર્યકર્તાઓ પણ આત્મઘતી બનવા માટે તૈયાર છે. ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવના આ નિવેદનને લઇ હવે એકબાજુ તેમના ઉત્સાહ અને જાશને લઇ ચર્ચા તેજ બની છે તો બીજીબાજુ, વિપક્ષ કોંગ્રેસમાં આ એક માત્ર પબ્લીસીટી સ્ટંટ હોવાનો આક્ષેપ થઇ રહ્યા છે.