નવીદિલ્હી: આગામી વર્ષથી ભારતમાં પેપરલેસ વિમાની યાત્રા શરૂ થવા જઈ રહી છે. વારાણસી એરપોર્ટ આ પ્રકારની સેવા શરૂ કરનાર પ્રથમ એરપોર્ટ બની જશે. પેપરલેસ યાત્રાને ડિજિટલ યાત્રા નામ આપવામાં આવ્યું છે. પેપરલેસ યાત્રા શરૂ થયા બાદ યાત્રીઓને લાઈનમાં ઉભા રહીને ટિકિટની ચકાસણી કરાવવાની જરૂર પડશે નહીં. સાથે સાથે ઓળખના દસ્તાવેજ પણ સુરક્ષા કર્મીઓને દર્શાવવા પડશે નહીં. આગામી વર્ષથી પાયલોટ પ્રોજેક્ટ હેઠળ જે એરપોર્ટ પર આ સેવા શરૂ થવા જઈ રહી છે તેમાં વારાણસી એરપોર્ટ પ્રથમ ક્રમાંકે રહેશે. ત્યારબાદના પ્રથમ તબક્કામાં જુલાઈ મહિના સુધી કોલકાતા, વિજયવાડા અને પુણેમાં પણ આ સેવા શરૂ થઇ જશે.
ડિજિટલ યાત્રાની પ્લાનિંગ કેટલાક મહિના પહેલા નાગરિક ઉડ્ડયન મંત્રી જયંતસિંહાએ આપી હતી. તે વખતે મંત્રાલય આના ઉપર કામ કરી રહ્યું હતું. પહેલા આ સિસ્ટમને આધાર આધારિત બનાવવાની યોજના હતી પરંતુ કેટલાક એરપોર્ટ પ્રાઇવેટ હોવાથી આધાર ડેટા સુરક્ષિત રાખવા માટે હવે ચહેરાની ઓળખને આધાર બનાવવાનો નિર્ણય કરાયો છે. એરપોર્ટની દરેક એન્ટ્રી ઉપર એવા સ્કેનર રહેશે જે યાત્રીના ચહેરાથી તેને ઓળખી કાઢશે અને ડેટા સાથે પોતે જ ચકાસણી કરશે. એરપોર્ટ પર વિમાની યાત્રાની ટિકિટ બુક કરાવતી વેળા સાવચેતી રખાશે. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા ના અધિકારીઓનું કહેવું છે કે, આ સિસ્ટમ માટે તમામ એરપોર્ટ મળીને જાઇન્ટ વેન્ચર કંપની બનાવશે. આ સમગ્ર સિસ્ટમ માટે આગામી થોડાક દિવસોમાં જ સરકાર ડ્રાફ્ટ પ્રસ્તાવ રજૂ કરશે. જેના પર તમામ પક્ષોના અભિપ્રાય લઇને સિસ્ટમને તૈયાર કરાશે.
યાત્રા શરૂ થયા બાદ યાત્રીઓને લાઈનમાં લાગી ટિકિટની ચકાસણી કરાવવાની, ઓળખ આપવા જરૂર પડશે નહીં