બીઆરટીએસ બસની ટક્કરથી અકસ્માતમાં બે સગા ભાઇઓના મોતને પગલે લોકોમાં જોરદાર આક્રોશ ફાટી નીકળ્યો હતો અને
લોકો રીતસરના વિફર્યા હતા. રોષે ભરાયેલા લોકોએ બીઆરટીએસ બસ પર જોરદાર પથ્થરમારો કરી ભારે તોડફોડ મચાવી હતી. એક તબક્કે બસ સળગાવવાનો પ્રયાસ પણ કર્યો હતો.જોકે પોલીસે ઘટના સ્થળે પહોંચી જઇ બસને વધુ નુકસાન પહોંચતું અટકાવ્યું હતું. બે સગા ભાઈઓના મૃતદેહો એક કલાક સુધી રોડ પર પડી રહ્યા હતા.
દરમ્યાન સમગ્ર દુર્ઘટના અંગે કોંગ્રેસે મચાવેલા જોરદાર હોબાળા અને લોકોના આક્રોશને જાતાં અમ્યુકો સત્તાધીશો દ્વારા કસૂરવાર ડ્રાઇવરને તાત્કાલિક બરતરફ કરી દેવાયો હતો અને બીઆરટીએસ બસના કોન્ટ્રાકટરનો ખુલાસો માંગવામાં આવ્યો છે. આગામી દિવસોમાં કોન્ટ્રાકટર વિરૂધ્ધ પણ કાર્યવાહી થવાની પૂરી શકયતા છે. પોલીસ ઘટનાસ્થળે પહોંચતા વિલંબ કર્યો હોવાનો સ્થાનિકોએ આરોપ લગાવ્યો હતો.
અક્સ્માત બાદ બીજી એક ગંભીર વાત એ સામે આવી હતી કે, અકસ્માતમાં ભોગ બનનાર બંને ભાઈઓના મોબાઈલ સ્ક્રિન લોક હતા જેના પગલે તેમના પરિવારજનોનો સંપર્ક કરવામાં હાજર લોકોને ભારે મુશ્કેલી પડી હતી. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, ગુજરાત યુનિવર્સિટી સાઈડથી આવી રહેલા બે સગા ભાઈ નયનભાઈ રામ અને જયેશભાઈ રામનું પાંજરાપોળ ચાર રસ્તા પાસે બીઆરટીએસની અડફેટે ઘટનાસ્થળ પર જ મૃત્યુ થઇ ગયું હતું. ઘટનાના સાક્ષીઓને જણાવ્યા અનુસાર, મૃતક નયન રામ આઇસીઆઇસીઆઇ બેંક(તાલાલા)માં નોકરી કરતો હતો. જ્યારે નાનો ભાઈ જયેશ સચિવાલય (ગાંધીનગર)માં મહિલા અને બાળ વિકાસ વિભાગમાં નોકરી કરતો હતો. પરંતુ મોટા ભાઈને ટ્રેનીંગ હોવાથી તે તાલાલાથી અહીં આવ્યો હતો અને નાના ભાઈ સાથે બાઈક પર ટ્રેનીંગ સ્થળે જવા નીકળ્યો હતો.
બંને આઇઆઇએમ સ્થિત બ્રાન્ચ તરફથી પાંજરાપોળ બાજુ ટર્ન મારી રહ્યાં હતા. તે જ સમયે યુનિવર્સિટી તરફથી પુરપાટ ઝડપે આવતી બીઆરટીએસે બંને ભાઈઓના બાઈકને જબરદસ્ત ટક્કર મારી આગળના વ્હીલમાં કચડી નાંખ્યા હતા. બંને સગા ભાઇઓના ગંભીર ઇજાઓ થવાના કારણે ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજયા હતા. ઘટનાને પગલે સ્થાનિકો દ્વારા ૨૫થી વધારે બીઆરટીએસને પાંજરાપોળથી નહેરૂનગરની વચ્ચે રોકીને પોતાનો રોષ ઠાલવ્યો હતો. વિફરેલા લોકોએ બીઆરટીએસ બસને પથ્થરમારીને નુકસાન પણ પહોચાડવામાં આવ્યું હતું. સ્થાનિકો દ્વારા બસને સળગાવવાના પ્રયાસો કરાયા હતા. પરંતુ ઘટના સ્થળે પોલીસ આવી જતાં મામલો થાળે પડ્યો હતો.
ઘટનાને પગલે અકસ્માત સર્જનાર બીઆરટીએસનો ડ્રાઈવર ઘટનાસ્થળેથી બસ ફરાર થઇ ગયો હતો. બાઈક ચાલકે હેલમેટ પહેર્યું હોવા છતાં તેનું મૃત્યુ નીપજયુ હતુ, જયારે પાછળ બેઠેલા વ્યક્તિને ૨૦ મિનિટ સુધી ૧૦૮ દ્વારા લાઈફ સેવિંગ ટ્રીટમેન્ટ કરીને જીવ બચાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તેનું પણ મોત નીપજ્યું હતું. આમ, આ કરૂણ અકસ્માતમાં બંને સગા જુવાનજોધ ભાઇઓના મોતને પગલે શહેર સહિત રાજયમાં અરેરાટીની લાગણી પ્રસરી ગઇ હતી.