પશ્ચિમ બંગાળમાં લોકસભાની કુલ ૪૨ સીટ છે. કેન્દ્રમાં સત્તામાં આવનાર પાર્ટી માટે પણ આ રાજ્ય ઉપયોગી રહે છે. આ વખતે પણ તેની ભૂમિકા નિર્ણાયક રહેનાર છે. કોઇ સમય ડાબેરીઓનુ આ રાજ્યમાં એકચક્રી શાસન ચાલતુ હતુ. એ વખતે કેન્દ્રની રાજનીતિમાં પણ ડાબેરીઓ ભારે પ્રભાવ પાડતા હતા. સરકાર બચાવી લેવામાં અને ગબડાવી દેવામાં તેમની ભૂમિકા રહેતી હતી. જો કે સમય બદલાતા અને તેમની નીતિ પર ધ્યાન ન આપવાના કારણે હવે તેમની પાર્ટી ફેંકાઇ ગઇ છે. વર્ષ ૨૦૦૬ બાદથી બંગાળમાં ડાબેરીઓનુ સતત નેટવર્ક ઘટતુ રહ્યુ છે. વર્ષ ૨૦૧૧માં સત્તા ગુમાવી દીધા બાદ ડાબેરીઓ રાષ્ટ્રીય અને પ્રાદેશિક સ્તર પર પણ નિરાશાજનક દેખાવ ધરાવે છે. ડાબેરીઓએ તેમની પ્રતિષ્ઠા લોકોની વચ્ચે ગુમાવી દીધી છે.
પાર્ટીની હાલત ખુબ ખરાબ થઇ હોવા છતાં પાર્ટી તેમની રાજનીતિને બદલી નાંખવા માટે તૈયાર નથી. આવી જ સ્થિતી કોંગ્રેસ પાર્ટીની છે. છેલ્લા ચાર વર્ષના ગાળામાં પાર્ટીના કેટલાક સભ્યો ટીએઅમસીમાં સામેલ થઇ ચુક્યા છે. પ્રદેશ પ્રમુખ સોમેન મિત્રા એક વખતે માનતા હતા કે પ્રદેશમાં પોતાની તાકાત પર કોંગ્રેસ પાર્ટી આગળ વધે તે જરૂરી છે. તેમનુ કહેવુ છે કે પાર્ટી ફરી એકવાર સન્માનની સાથે એકલા હાથે મેદાનમાં ઉતરશે અને જનાધારને વધારવામાં સફળ પણ રહેશે.
જો કે કોંગ્રેસ અને ડાબેરીઓ માટે તેમના જનાધારને વધારી દેવાની બાબત તો હવે પડકારરૂપ દેખાય છે. કારણ કે છેલ્લા કેટલાક સમયથી જે રીતે ભારતીય જનતા પાર્ટી આગળ વધી છે તે જાતા કોંગ્રેસ અને ડાબેરીઓ માટે પડકારો વધી ગયા છે. હવે મમતા બેનર્જી સામે મોટા પડકાર તરીકે ભાજપ છે. ભાજપનો સ્થાનિક સ્તર પર હાલમાં તમામ ચૂંટણીમાં દેખાવ સારો રહ્યો છે. તેમના પાર્ટીના કાર્યકરો પર કેટલીક જગ્યાએ હુમલા પણ હાલના સમયમાં કરવામાં આવ્યા છે. વર્ષ ૨૦૧૪માં ટીએમસીને ૩૪, કોંગ્રેસને ચાર, સીપીએમને બે ભાજપને બે સીટો મળી હતી. વર્ષ ૨૦૦૯માં ટીએમસીને ૧૯, કોંગ્રેસને છ, સીપીએમને નવ, ભાજપને એક સીટ મળી હતી. અન્યોને સાત સીટ મળી હતી.