ગાંધી પરિવારે હોલિડે માટે INS વિરાટનો પર્સનલ ઉપયોગ કર્યો

KhabarPatri News
By KhabarPatri News 4 Min Read

નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે દિલ્હીના ઐતિહાસિક રામલીલા મેદાનમાં હાઈપ્રોફાઈલ અને હાઈવોલ્ટેજ રેલી યોજી હતી. જેમાં મોદીએ કોંગ્રેસ પાર્ટી અને આમ આદમી પાર્ટીની જારદાર ઝાટકણી કાઢી હતી. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની પાર્ટી આમ આદમી પાર્ટીને સામાન્ય વ્યક્તિના અપમાન તરીકે ગણાવીને પાર્ટી પર આક્ષેપ કર્યા હતા. મોદીએ કહ્યું હતું કે નાકામપંથીઓના કારણે એક પછી એક સમસ્યા ઉભી થઈ હતી. આ નાકામપંથીઓએ પોતાની નિષ્ફળથાને છુપાવવા માટે બીજા ઉપર દોષનો ટોપલો નાખવાના સતત પ્રયાસો કર્યા હતા. નાકામપંથી લોકોએ નવા દાખલા બેસાડવાના નામે લોકો સાથે વ્યાપક છેતરપિંડી કરી હતી. મોદીએ એએપી ઉપર આક્ષેપ કરતા કહ્યું હતું કે દેશના લોકોએ ચાર રાજકીય સંસ્કૃતિને નિહાળી છે.

જેમાં નામપંથી, વામપંથી, દામ ઔર દમનપંથી તથા વિકાસપંથીનો સમાવેશ થાય છે. પરંતુ દિલ્હીમાં લોએ નવા મોડલ નાકામપંથીને પણ નિહાળી ચુક્યા છે. તેમણે કહ્યું હતું કે દિલ્હીના વિકાસ સાથે સંબંધિત કામોને પણ ફગાવી દેનાર નાકામપંથીની સંસ્કૃતિને લોકો જાઈ રહ્યા છે. જ્યારે પણ કામ કરવાના પ્રયાસ કરતા હતા ત્યારે નિષ્ફળ રહે છે. દિલ્હીમાં આ નાકામપંથીએ ચારેબાજુ અંધાધુંધી ફેલાવી દીધી છે. સાથે સાથે ભારતના લોકોનો વિશ્વાસઘાત કર્યો છે. મોદીએ એમ પણ કહ્યું હતું કે એએપીના લોકોએ ટુકટે ટુકડે ગેંગને પણ સમર્થન આપ્યું છે. એએપી પરિવર્તનના ઈરાદા સાથે આવી હતી પરંતુ આ પાર્ટીના લોકો જ્યારે સત્તા મળી ત્યારે પોતે જ બદલાઈ ગયા છે. એએપીએ યુવાનોની ભાવનાઓને પણ મોટો ફટકો આપ્યો છે. એએપીએ ખાલિસ્તાનના સમર્થકો અને પંજાબના વિરોધીઓને પણ તાકાત આપવાનું પાપ કર્યું છે.

આ લોકોને વિદેશ જઈને રાષ્ટ્ર વિરોધી તાકાતોનો સંપર્ક કરવામાં પણ કોઈ શરમ નડી નથી. મોદીએ એએપીએ ઉપર જ એક પછી એક પ્રહારો કર્યા હતા. બીજી બાજુ સરકાર દ્વારા કરવામાં આવેલી કામગીરીનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે ઉત્તરપ્રદેશ, હરિયાણા, દિલ્હી અને અન્ય રાજ્યોથી પ્રવેશ કરતા હજારો ટ્રકના કારણે પહેલા સમસ્યા રહેતી હતી પરંતુ હવે ઈસ્ટર્ન અને વેસ્ટર્ન રસ્તાઓના લીધે દિલ્હીમાં પ્રવેશ કર્યા વગર ટ્રકો સીધી બહાર નીકળે છે. મિડલ ક્લાને પણ શ્રેણીબદ્ધ યોજનાઓથી રાહત આપવાના પ્રયાસો થયા છે પરંતુ નાકામપંથીઓના કારણે લોકો સુધી લાભ પહોંચી શક્યા નથી. દિલ્હીમાં નાકામપંથીઓના લીધે આયુષ્યમાન ભારત યોજનાના લાભ લોકો સુધી પહોંચી શક્યા નથી. નાકામ પંથીઓ ઉપરાંત નામપંથીઓ ઉપર પ્રહાર કરતા મોદીએ કહ્યું હતું કે આ નામપંથીઓના લોકોએ હંમેશા દેશની સુરક્ષા સાથે રમત રમવાના પ્રયાસો કર્યા છે. ગાંધી પરિવારે હોલિડે માણવા માટે પણ દેશ માટે પ્રતિષ્ઠિત એવા આઈએનએસ વિરાટનો ઉપયોગ કરવામાં ખચકાટ અનુભવ કર્યો ન હતો.

આઈએનએસ વિરાટને ગાંધી પરિવારે પોતાના પરિવારના લોકો અને સાસરીયા પક્ષના લોકોની સેવા માટે ઉપયોગ કરીને દેશની સુરક્ષા સાથે રમત કરી હતી. એટલામાં ઓછુ હોય તેમ આ યુદ્ધ જહાજને દ્વિપ ઉપર જ ૧૦ દિવસ સુધી રાખીને દેશની સુરક્ષા ખતરામાં મુકી હતી. સાથે સાથે ભારતીય હવાઈ દળના વિમાનોને પણ સેવામાં ઉતારી દીધા હતા. દેશની યુવા પેઢીને યાદ અપાવતા મોદીએ કહ્યું હતું કે સશ† દળોનો ઉપયોગ તેમની અંગત પ્રોપર્ટી દ્વારા તેમના દ્વારા કરવામાં આવ્યો હતો. પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીના ગાળા દરમિયાન આ પ્રકારની ઘટના બની હતી. તે વખતે ઈટાલીમાંથી આવેલા તેમના સાસરીયા પક્ષના લોકોને પર્સનલ હોલિડે માટે લઈ જવા નૌકાસેનાના યુદ્ધ જહાજ આઈએનએસ વિરાટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. વંશવાદની રાજનીતિની મોદીએ જારદાર ઝાટકણી કાઢી હતી અને તમામના નામ લીધા હતા. તેમણે કહ્યું હતું કે દિલ્હીમાં દિક્ષિત વંશ, હરિયાણામાં હુડા, ભજનલાલ, બંસીલાલના વંશવાદે આગેકૂચ કરી છે. બીજી બાજુ રાજસ્થાનમાં ગેહલોત અને પાયલોટ, મધ્યપ્રદેશમાં કમલનાથ, દિÂગ્વજયસિંહ પરિવાર, સિંધિયા પરિવાર, જમ્મુ-કાશ્મીરમાં અબ્દુલ્લા પરિવારના કારણે એક પછી એક સમસ્યાઓ વંશવાદના લીધે સર્જાઈ છે. આતંકવાદના મુદ્દા ઉપર પણ વાત કરતા મોદીએ કહ્યું હતું કે છેલ્લા પાંચ વર્ષમાં દેશમાં આતંકવાદીઓ કોઈ જગ્યાએ બ્લાસ્ટ કરી શક્યા નથી. તેમના ઉપર અંકુશ મુકવામાં સફળતા મળી છે.

Share This Article