અમદાવાદ : કેન્દ્રીય કૃષિ રાજ્ય મંત્રી પુરૂષોત્તમ રૂપાલાએ જણાવ્યું છે કે, ખેડૂતો અને નાગરિકોના સામૂહિક જનહિતના કામો માટે કેન્દ્ર સરકાર સદાય તત્પર છે અને સરકારનું મન હર હંમેશ ખુલ્લું છે. નાગરિકોના મત મેળવીને તેમના સૂચનો થકી કેન્દ્ર સરકાર આગામી સમયમાં વિઝન ડોકયુમેન્ટ પણ તૈયાર કરશે. આજે કોબા ખાતે ગુજરાત રાજ્ય સહકારી સંઘ દ્વારા આયોજિત સહકારી સંમેલન ૨૦૧૯ને ખુલ્લુ મુકતા મંત્રી રૂપાલાએ ઉમેર્યું હતું કે, વર્ષ-૨૦૨૨ સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવા માટે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે સપનું સેવ્યું છે એ ચોક્કસપણે સાકાર કરાશે. આ માટે તાજેતરમાં જ ૧ કરોડથી વધુ ખેડૂતોના ખાતામાં ૨,૦૦૦નો પ્રથમ હપ્તો વડાપ્રધાનએ જમા કરાવી દીધો છે. તેમણે કહ્યું કે, ખેડૂતો દ્વારા રાષ્ટ્રના નાગરિકોની ભૂખ ભગાવવા માટે જે પરિશ્રમ થઇ રહ્યો છે એને સન્માનિત કરવા માટે કેન્દ્ર સરકારે કિસાન સન્માન નિધિ યોજના જાહેર કરી છે.
જે હેઠળ પ્રતિવર્ષ ૬,૦૦૦ની વાર્ષિક સહાય ખેડૂતોને અપાશે. જે માટે ૭૫ હજાર કરોડ કેન્દ્ર સરકાર ખર્ચ કરશે. ગામડાઓને સમૃદ્ધ કરવા માટે પણ દેશભરની ૨.૫ લાખ ગ્રામ પંચાયતોમાં વિકાસ માટેની ગ્રાન્ટ સીધી કેન્દ્ર સરકાર તેના ખાતામાં જમા કરાવે છે. આયુષ્માન ભારત યોજના હેઠળ પણ ૫ લાખની મર્યાદામાં વિનામૂલ્યે આરોગ્ય સારવાર આપવામાં આવે છે. જેના દ્વારા દેશભરના ૫૦ કરોડથી વધુ લાભાર્થીઓ લાભાન્વિત થશે. રૂપાલાએ કહ્યું કે, ગુજરાતનું સહકારી માળખું દેશભરમાં સૌથી શ્રેષ્ઠ છે ત્યારે વડાપ્રધાનના ખેડૂતોની આવક બમણી કરવાના સપનાને સાકાર કરવામાં શિરમોર ભૂમિકા અદા કરીને દેશને રાહ ચિંધશે એવો મને વિશ્વાસ છે. તેમણે કહ્યું કે, ખેતીની સાથે સાથે મત્સ્યોદ્યોગ, પશુપાલન, મધમાખી ઉછેર જેવા એલાઇડ વ્યવસાય થકી પણ કિસાનો આગળ વધશે તો ચોક્કસ પરિણામ મળશે.
તેમણે ખેડૂતોને આધૂનિક ટેકનોલોજીના માધ્યમ દ્વારા વૈજ્ઞાનિક ઢબે ખેતી કરવા માટે પણ અપીલ કરી હતી. રાજ્યના સહકાર મંત્રી ઇશ્વરસિંહ પટેલે સહકારી સંમેલન માટે ગુજરાત રાજ્ય સહકારી સંઘને અભિનંદન આપતાં કહ્યું કે, ‘વિના સહકાર નહીં ઉદ્ધાર’ના સુત્રને સાર્થક કરીને રાજ્યનું માળખું દેશભરમાં અગ્રેસર છે ત્યારે વડાપ્રધાનના ખેડૂતોની આવક બમણી કરવાના સપનાને સાકાર કરીને ગુજરાત સમગ્ર દેશને ચોક્કસ નવો રાહ ચિંધશે. તેમણે ઉમેર્યું કે, નાના, મધ્યમ અને સીમાંત ખેડૂતોને આર્થિક રીતે સદ્ધર બનાવવામાં પણ સહકાર ક્ષેત્રનો જ સિંહ ફાળો રહ્યો છે. ત્યારે રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ આ ક્ષેત્રે ખાસ ધ્યાન કેન્દ્રીત કરીને અનેકવિધ નવતર આયામો ખેડૂતો માટે હાથ ધર્યા છે. ખેડૂતદીઠ ૩ લાખની લોન ઝીરો ટકા વ્યાજથી મળે તે માટે રાજ્ય સરકારે ૫૦૦ કરોડનું કોપર્સ ફંડ પણ ઉભું કરીને સરકાર ખેડૂતોના પડખે ઉભી જ છે.
એ જ રીતે રાજ્યના દૂધ સંઘોનો પણ પાવડરનું વ્યાપક ઉત્પાદન થયું ત્યારે પાવડરના નિકાસ માટે સબસીડી અને સહાય પેકેજ જાહેર કર્યું છે. શેરડી પકવતા ખેડૂતો માટે પણ અનેકવિધ પગલાં લીધા છે. મંત્રીએ ઉમેર્યું કે, રાજયની ખેત ઉત્પાદન બજાર સમિતિઓ માટે પણ કાયદામાં ઐતિહાસિક સુધારો કર્યો છે. માર્કેટ યાર્ડો પણ ખેત પેદાશોના ગ્રેડેશન, પ્રોસેસિંગ તથા પેકેજિંગ કરી શકશે. તેમણે કહ્યું કે, રાજ્યમાં ૭૮ હજારથી વધુ સહકારી સંસ્થાઓ કાર્યરત છે. જેમાં ૧.૬૫ કરોડથી વધુ સભાસદો છે ત્યારે આ સહકારી સંસ્થાઓ પણ ખેડૂતોને આર્થિક રીતે સદ્ધર બનાવવામાં અનેરૂ પ્રેરક બળ પુરૂ પાડી રહી છે. આ સંમેલન પણ રાજ્યના તમામ ગામડાંઓ સુધી અત્યાધુનિક ખેતી પદ્ધતિથી ખેતીના લાભો માટે માર્ગદર્શક પુરવાર થશે તેમ તેમણે ઉમેર્યું હતું.