નવી દિલ્હી : કટ્ટરપંથીઓ સામે એક પછી એક કઠોર પગલા લેવામાં આવી રહ્યા છે. જૂન ૨૦૧૮માં જમ્મુ કાશ્મીરમાં ગવર્નર શાસન લાગૂ કરવામાં આવ્યા બાદથી જમ્મુ કાશ્મીરમાં ૨૨ અલગતાવાદી નેતાઓની અંગત સુરક્ષા પાછી ખેંચી લેવામાં આવી છે. રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિમાં સામેલ રહેલા કટ્ટરપંથીઓને સ્પષ્ટ સંદેશો આપવાના ઇરાદા સાથે આ કાર્યવાહી કરવામાં આવી છે. જૂન ૨૦૧૮ બાદથી કટ્ટરપંથીઓ સામે કઠોર પગલા લેવામાં આવ્યા છે. આનાથી ફાયદો પણ થયો છે. હુર્રિયત નેતા સઇદ અલી શાહ ગિલાની, મિરવાઈઝ ઉંમર ફારુક, શબ્બીર શાહ અને પ્રોફેશર અબ્દુલગની ભટ્ટ તેમજ જમ્મુ કાશ્મીર લીબ્રેશન ફ્રન્ટના વડા યાસીન મલિક સહિત અનેક અલગતાવાદીઓ સામે કઠોર પગલા લેવામાં આવી રહ્યા છે.
તેમની સુરક્ષા વ્યવસ્થા રાજ્ય દ્વારા પરત ખેંચી લેવામાં આવી છે. કેન્દ્રિય ગૃહમંત્રાલયના અધિકારીઓના કહેવા મુજબ બે વર્ષ અગાઉ મંત્રાલય તરફથી આદેશ કરવામાં આવ્યો હોવા છતાં પૂર્વ મુખ્યમંત્રી મહેબુબા મુફ્તીના નેતૃત્વમાં અગાઉની સરકારે ૧૮૨૭ જેટલા લોકોની અંગત સુરક્ષાના ઓડિટની કામગીરી હાથ ધરી ન હતી જેના પરિણામ સ્વરુપે આ લોકોની સુરક્ષા પાછળ ૧૦૦૦૦ જેટલા લોકો મુકવાની ફરજ પડી હતી પરંતુ આ પ્રકારના લોકોની અંગત સુરક્ષા હવે પરત ખેંચી લેવામાં આવી છે.
અધિકારીઓના કહેવા મુજબ તેમની સુરક્ષા ઉપર કોઇ ખતરો રહેલો નથી. નિવેદનમાં મંત્રાલયના અધિકારીઓનું કહેવું છે કે, કઠોર પ્રકારના આદેશો કરવામાં આવ્યા બાદ જમ્મુ કાશ્મીર સ્ટેટ સિક્યુરિટ રિવ્યુ કોર્ડિનેશન કમિટિએ કઠોર આદેશોને અમલી કરવા માટે તમામ કેસોમાં ચકાસણી કરવા માટે નિયમિત બેઠકો શરૂ કરી હતી. સમીક્ષા કર્યા બાદ રાજ્ય સરકારે ૯૧૯ અન્ડર સ‹વગ લોકો પૈકીથી મોટી સંખ્યામાં લોકોની સુરક્ષા પરત ખેંચી લીધી હતી. તેમની જરૂરિયાત કરતા વધારે સુરક્ષા ધરાવતા લોકોની સુરક્ષા પરત ખેંચી લેવામાં આવી હતી. ૩૮૯ વાહનો પણ પરત ખેંચી લેવામાં આવ્યા હતા. કેન્દ્ર સરકારના આદેશ મુજબ જમ્મુ કાશ્મીર સ્ટેટ સિક્યુરિટી રિવ્યુ કોર્ડિનેશન દ્વારા સતત ચકાસણી કરવામાં આવી હતી. સુરક્ષા કવરને લઇને કેસ ટુ કેસ અભ્યાસની કામગીરી હાથ ધરવામાં આવી હતી. મેરિટના આધાર પર નિર્ણય કરવામાં આવ્યા હતા. ખર્ચના સંશાધનો હવે ઘટાડી દેવામાં આવ્યા છે.