ટ્રાફિક પોલીસ વિભાગે અંડરએજ વાહનચાલકો સામે ૧૫મી જૂનથી ખાસ ઝુંબેશ શરૂ કરશે, જેમાં સગીર વાહનચાલક ટુવ્હીલર ચલાવતા પકડાશે તો તેની પાસેથી રૂ.૨ હજાર જ્યારે તેના કરતાં મોટું વાહન ચલાવતા પકડાશે તો ૩ હજાર દંડ વસૂલ કરાશે. તમામ પોલીસ સ્ટેશનના પીઆઈ તેમ જ સ્ટાફના માણસો તેમ જ ટ્રાફિકના તમામ પોલીસ સ્ટેશનના પીઆઈ અને સ્ટાફના માણસો બુધવારથી શરૂ થનારી અંડર એજ અને ડાર્ક ફિલ્મની ડ્રાઈવમાં જોડાશે. જોકે સૌથી વધુ સગીર વાહનચાલકો સ્કૂલો – કોલેજોમાંથી પકડાવાની શક્યતા હોવાથી દરેક પીઆઈને તેમના વિસ્તારમાં આવેલી સ્કૂલ – કોલેજ બહાર જ ઊભા રહીને સગીર વાહનચાલકોને પકડવા સૂચના અપાઈ છે.
જોકે આ ડ્રાઈવના પહેલાં જ દિવસે ટ્રાફિક પોલીસ અને શહેર પોલીસની ૧૦૦ ટીમો જુદા જુદા વિસ્તારોમાં સગીર વાહનચાલકોને પકડશે. જો કોઈ સગીર વાહનચાલક લાઇસન્સ વગર ટુ વ્હીલર ચલાવતા પકડાશે તો તેની પાસેથી ૨ હજાર દંડ વસૂલ કરાશે. જ્યારે ટુ વ્હીલર કરતાં મોટું વાહન ચલાવતા પકડાશે તો રૂ.૩ હજાર દંડ વસૂલ કરાશે. આ ડ્રાઈવ ૧૫ જૂનથી શરૂ થશે અને ૨૧ જૂન સુધી ચાલુ રહેશે. આવી જ રીતે ગાડીના કાચ પર ડાર્ક ફિલ્મ લગાવી ફરતા લોકો સામે પણ ૧૫થી ૨૧ જૂન સુધી ડ્રાઈવ ચલાવવામાં આવશે. જેમાં ડાર્ક ફિલ્મ લગાવીને પહેલી વખત કાર ચલાવતા પકડાશે તો રૂ.૫૦૦ અને બીજી વખત પકડાશે તો રૂ.૧ હજાર દંડ વસૂલ કરાશે.