નવીદિલ્હી : રાફેલ મામલામાં સુપ્રીમ કોર્ટના હવાલાથી પોતાના ચોકીદાર ચોર હેના નિવેદનને લઇને દાખલ કરવામાં આવેલી તિરસ્કાર અરજીને લઇને કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી ભારે મુશ્કેલી અનુભવ કરી રહ્યા છે. સુપ્રીમ કોર્ટે તેમના વર્તનને લઇને લાલ આંખ કર્યા બાદ હવે રાહુલ ગાંધીએ આખરે બિનશરતી માફી માંગી લીધી છે.રાફેલ ડિલનો સંપૂર્ણ ઘટનાક્રમ નીચે મુજબ છે.
- ૨૮મી ઓગસ્ટ ૨૦૦૭ના દિવસે સંરક્ષણ મંત્રાલય દ્વારા ૧૨૬ એમએમઆરસીએ વિમાનોની પ્રાપ્તિ માટે દરખાસ્ત માટે વિનંતી કરી
- ચોથી ઓક્ટોબર ૨૦૦૮ના દિવસે મુકેશ અંબાણીના નેતૃત્વમાં રિલાયન્સ ગ્રુપે રિલાયન્સ એરોસ્પેશ ટેકનોલોજી લિમિટેડ સાથે આગેકૂચ કરી
- મે ૨૦૧૧માં એરફોર્સે રાફેલ અને યુરો ફાઇટર જેટ માટે ટુંકી યાદી તૈયાર કરી
- ૩૦મી જાન્યુઆરી ૨૦૧૨ના દિવસે દસો એવિએશનના રાફેલ વિમાનોનો મામલો સૌથી ઓછા બિડ માટે આગળ આવ્યો
- ૧૩મી માર્ચ ૨૦૧૪ના દિવસે એચએએલ અને દસો એવિએશન વચ્ચે વર્કશેયર એગ્રીમેન્ટ ઉપર હસ્તાક્ષર કરવામાં આવ્યા જે હેઠળ ૧૦૮ વિમાનો માટે ક્રમશઃ ૭૦ ટકા અને ૩૦ ટકા કામની જવાબદારી લેવામાં આવી
- ૮મી ઓગસ્ટ ૨૦૧૪ના દિવસે તત્કાલિન સંરક્ષણમંત્રી અરુણ જેટલીએ સંસદમાં કહ્યું કે, ૧૮ તૈયાર વિમાનો કોન્ટ્રાક્ટ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા બાદથી ત્રણ ચાર વર્ષમાં મળી જશે. બાકીના ૧૦૮ વિમાનો આગામી સાત વર્ષમાં મળશે
- ૮મી એપ્રિલ ૨૦૧૫ના દિવસે તત્કાલિન ફોરેન સેક્રેટરીએ કહ્યું હતું કે, દસો, એમઓડી અને એચએએલ વચ્ચે વિસ્તૃત ચર્ચા થઇ ચુકી છે
- ૧૦મી એપ્રિલ ૨૦૧૫ના દિવસે ૩૬ વિમાનો મેળવવા માટે નવી સમજૂતિની જાહેરાત કરાઈ
- ૨૬મી જાન્યુઆરી ૨૦૧૬ના દિવસે ભારત અને ફ્રાંસે ૩૬ રાફેલ વિમાનો માટે એમઓયુ પર હસ્તાક્ષર કર્યા
- ૨૩મી સપ્ટેમ્બર ૨૦૧૬ના દિવસે આંતર સરકારી સમજૂતિ ઉપર હસ્તાક્ષર કરવામાં આવ્યા
- ૧૮મી નવેમ્બર ૨૦૧૬ના દિવસે સરકારે સંસદમાં કહ્યું હતું કે, દરેક રાફેલ વિમાનની કિંમત અંદાજિત ૬૭૦ કરોડ રૂપિયા રહેશે અને તમામ વિમાન એપ્રિલ ૨૦૨૨ સુધી મળી જશે
- ૩૧મી ડિસેમ્બર ૨૦૧૬ના દિવસે દસો એવિએશનના રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે, ૩૬ વિમાનો માટે ચુકવવામાં આવેલી વાસ્તવિક કિંમત સંસદમાં સરકાર દ્વારા જણાવવામાં આવેલી કિંમત કરતા અનેકગણી છે અને આ ૩૬ વિમાનો ૬૦૦૦૦ કરોડમાં પડશે
- ૧૩મી માર્ચ ૨૦૧૮ના દિવસે સુપ્રીમ કોર્ટમાં પીઆઈએલ કરવામાં આવી અને ફ્રાંસ પાસેથી ૩૬ વિમાનો મેળવવાના કેન્દ્રના નિર્ણયમાં સ્વતંત્ર તપાસની માંગ કરવામાં આવી અને સંસદ સમક્ષ સમજૂતિની વિગતો રજૂ કરવા કહેવામાં આવ્યું
- ૫મી સપ્ટેમ્બર ૨૦૧૮ના દિવસે રાફેલ ફાઇટર જેટ સોદાબાજી પર સ્ટે મુકવાની માંગ કરતી અરજી પર સુનાવણી કરવા સુપ્રીમ કોર્ટ સહમત થઇ
- ૧૮મી સપ્ટેમ્બર ૨૦૧૮ના દિવસે સુપ્રીમ કોર્ટે રાફેલ અંગે સ્ટે મુકવાની માંગ કરતી અરજી પર સુનાવણી ૧૦મી ઓક્ટોબર સુધી મોકૂફ કરી
- ૮મી ઓક્ટોબર ૨૦૧૮ના દિવસે સુપ્રીમ કોર્ટ ૧૦મીએ નવેસરની અરજી પર સુનાવણી કરવા માટે તૈયારી દર્શાવી અને કેન્દ્રને સીલકવરમાં વિગતો રજૂ કરવા સૂચના આપવામાં આવી
- ૧૦મી ઓક્ટોબર ૨૦૧૮ના દિવસે સુપ્રીમ કોર્ટે રાપેલ સોદાબાજીમાં પ્રગતિ અંગે નિર્ણયની વિગતોની માંગ કરી
- ૨૪મી ઓક્ટોબર ૨૦૧૮ના દિવસે પૂર્વ કેન્દ્રીયમંત્રી યશવંતસિંહા અને અરુણ શૌરીએ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરીને રાફેલ સોદાબાજીમાં એફઆઈઆર દાખલ કરવાની માંગ કરી
- ૩૧મી ઓક્ટોબર ૨૦૧૮ના દિવસે કેન્દ્ર સરકારને ૧૦ દિવસમાં સીલકવરમાં કિંમત અંગે માહિતી આપવા સુપ્રીમ કોર્ટે આદેશ કર્યો
- ૧૨મી નવેમ્બર ૨૦૧૮ના દિવસે કેન્દ્ર સરકારે સુપ્રીમ સમક્ષ સીલકવરમાં ફાઇટર જેટની કિંમતો અંગે માહિતી રજૂ કરી. સાથે સાથે રાફેલ સોદાબાજી કરવાને લઇને વિગતો પણ આપી
- ૧૪મી નવેમ્બર ૨૦૧૮ના દિવસે સુપ્રીમ કોર્ટે રાફેલ મામલામાં સુપ્રીમના દેખરેખ હેઠળ તપાસની માંગ કરતી અરજી પર ચુકાદો અનામત રાખ્યો
- ૧૪મી ડિસેમ્બર ૨૦૧૮ના દિવસે સુપ્રીમ કોર્ટે કહ્યું કે, મોદી સરકારની નિર્ણય લેવાની પ્રક્રિયામાં કોઇ પણ શંકા અને અનિયમિતતા નથી. અનિયમિતતામાં એફઆઈઆર દાખલ કરવા સીબીઆઈને આદેશ આપવાની માંગ કરતી તમામ અરજીઓને ફગાવી દીધી
- સુપ્રીમ કોર્ટે છેલ્લે ૧૪મી માર્ચના દિવસે લીક દસ્તાવેજા ઉપર કેન્દ્રના વિષેશાધિકારના દાવા પર આદેશ અનામત રાખી દીધો હતો
- સુપ્રીમ કોર્ટે ૧૦મી એપ્રિલના દિવસે રાફેલના લીક દસ્તાવેજા યોગ્ય હોવાની વાત કરીને ફરીથી સુનાવણી કરવાનો નિર્ણય કર્યો હતો
- સુપ્રીમ કોર્ટે ૧૦મી એપ્રિલના દિવસે સરકારના વાંધાઓને ફગાવી દઇને રિવ્યુ પિટીશન પર નવા દસ્તાવેજાના આધાર પર સુનાવણી કરવાનો નિર્ણય કર્યા બાદ રાહુલે સુપ્રીમના હવાલાથી કહ્યુ હતુ કે ચોકીદાર ચોર છે
- રાહુલના ચોકીદાર ચોરના નિવેદન પર ભાજપના મિનાક્ષી લેખીએ સુપ્રીમમાં અરજી કરી હતી
- આઠમી મે ૨૦૧૯ના દિવસે બે એફિડેવિટથી નાખુશ રહ્યા બાદ રાહુલે ત્રીજી એફિડેવિટ દાખલ કરીને ચોકીદાર ચોર હે નિવલેદન પર બિનશરતી માફી માંગી