નવી દિલ્હી : પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં આજે વધુ ઘટાડો કરવામાં આવ્યો હતો. છેલ્લા થોડાક દિવસમાં ૧૫ પૈસાની દ્રષ્ટિએ ઘટાડો કરવામાં આવી રહ્યો છે. ક્રૂડની કિંમતો સતત ઘટી રહી છે જેથી આજે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વધુ ક્રમશઃ ૧૨ અને ૧૩ પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો હતો. આની સાથે જ સપ્ટેમ્બર બાદથી પેટ્રોલની કિંમત સૌથી નીચી સપાટીએ પહોંચી છે જ્યારે ડીઝલની કિંમતો પણ સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહ બાદથી સૌથી નીચી સપાટીએ પહોંચી છે. પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં છેલ્લે ૧૬મી ઓક્ટોબરના દિવસે વધારો કરાયો હતો ત્યારબાદથી અવિરતપણે ઘટાડો થઇ રહ્યો છે. સરકારી ઓઇલ કંપનીઓ દ્વારા દરરોજ સવારે છ વાગે કિંમતોમાં ઘટાડો કરવામાં આવી રહ્યો છે. ક્રૂડ ઓઇલની કિંમતમાં સરેરાશ ગણતરી કર્યા બાદ આ ઘટાડો કરવામાં આવી રહ્યો છે.
ડોલર સામે રૂપિયાની કિંમત અને ક્રૂડની કિંમતને ધ્યાનમાં લઇને આ ઘટાડો કરવામાં આવી રહ્યો છે. એકબાજુ ક્રૂડ ઓઇલની કિંમતમાં ઘટાડો થઇ રહ્યો છે જ્યારે બીજી બાજુ રૂપિયો મજબૂત બની રહ્યો છે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા ઘટાડાનો દોર છે છતાં પેટ્રોલ અને ડિઝલની કિંમતમાં હજુ તેમને લીટરદીઠ એક રૂપિયાનું નુકસાન છે. કરેક્શનનો દોર જારી રહેતા છેલ્લા એક મહિનામાં જ રિટેલ ફ્યુઅલની કિંમતમાં પાંચ ટકા સુધીનો ઘટાડો કરવામાં આવી ચુક્યો છે. આંતરરાષ્ટ્રીય ક્રુડ ઓઇલની કિંમતના આધાર પર કિંમતો નક્કી થાય છે. આ મહિનાની શરૂઆત બાદથી તેલ કિંમતો ચાર મહિનાની ઉંચી સપાટીથી ૧૧ ટકા સુધી ઘટી ગઈ છે. ફ્યુઅલની કિંમતમાં દરરોજના આધાર પર ઘટાડાના દોર ચાલી રહ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં તેલની કિંમતો ઘટતા ભાવમાં ભારતમાં પણ ઘટાડો થયો છે.
કેન્દ્ર સરકાર દ્વારા વૈશ્વિક ક્રૂડની કિંમતમાં ઘટાડો થયા બાદ સામાન્ય લોકોને રાહત આપવા ઓઇલ કંપનીઓને સૂચના આપેલી છે. રીટેઈલ પેટ્રોલ-ડિઝલની કિંમતમાં ઓકટોબરની ઉંચી સપાટીથી આશરે ૧૦ ટકાથી વધુનો ઘટાડો નોંધાઈ ચુક્યો છે. બ્રેન્ટ ક્રુડની કિંમત તેની વર્તમાન ઉંચી સપાટીથી ૨૦ ટકા સુધી ઘટી ચુકી છે. જાણકાર લોકોનું કહેવું છે કે પેટ્રોલ અને ડિઝલની કિંમતોમાં હજુ કેટલાક દિવસ સુધી ઘટાડો જારી રહી શકે છે. કારણ કે ભારતમાં રીટેઈલ કિંમતોમાં સંપૂર્ણપણે ક્રુડ ઓઈલની કિંમતોમાં હાલનો ઘટાડો પહોંચ્યો નથી. પેટ્રોલ અને ડીઝલની કિંમત ઓલટાઇમ હાઈ સપાટી ઉપર પહોંચી ગઈ હતી. ચોથી ઓક્ટોબરના દિવસે મુંબઈમાં પેટ્રોલની કિંમત લીટરદીઠ ૯૧.૩૪ સુધી પહોંચી હતી ત્યારબાદથી ઘટાડો થઇ રહ્યો છે. બંનેની કિંમતમાં ઘટાડો હાલ જારી રહી શકે છે.