૧૧મી જાન્યુઆરીના રોજ સોનગઢ ખાતે પતંગોત્સવ યોજાશે

News KhabarPatri
By News KhabarPatri 1 Min Read

વ્યારા: આગામી તા. ૧૧મી, જાન્યુઆરીના રોજ સવારે ૧૦ કલાકે તાપી જિલ્લાના સોનગઢ ખાતે આવેલી સાર્વજનિક હાઇસ્કુલ, સોનગઢના પટાંગણમાં જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પતંગોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે એમ તાપીના જિલ્લા સમાહર્તા એન.કે ડામોરે જણાવ્યું હતું.

તાપી જિલ્લાના સોનગઢ તાલુકા મથકે આગામી તા. ૧૧મી, જાન્યુઆરીના રોજ પતંગ ઉત્સવનું આયોજન જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવ્યું છે. આ પતંગ મહોત્સવના જિલ્લાના પતંગબાજો સાથે વિદેશી પતંગબાજો પણ ભાગ લેશે. રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમોના સથવારે યોજાનારા પતંગ મહોત્સવમાં અવનવી ડિઝાઇનના પતંગો ખાસ આકર્ષણનું કેન્દ્ર બની રહેશે. તાપી જિલ્લામાં પ્રથમ વખત યોજાનારા આ પતંગ મહોત્સવને સુપેરે પાર પાડવા માટે જિલ્લા કલેક્ટર એન.કે ડામોરના સીધા માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટીતંત્ર કામે લાગી ગયું છે. પતંગ મહોત્સવના આ કાર્યક્રમમાં જિલ્લાની જાહેર જનતાને સહભાગી થવા માટે જિલ્લા કલેક્ટર તરફથી અનુરોધ કરાયો છે.

 

Share This Article