અમદાવાદ: દક્ષિણ પશ્ચિમ મધ્યપ્રદેશ ઉપર લો પ્રેશરની સ્થિતિ સર્જાયેલી છે અને હાલમાં ઉત્તર પશ્ચિમ મધ્યપ્રદેશ ઉપર તથા પૂર્વીય રાજસ્થાન ઉપર કેન્દ્રિત છે. આવી સ્થિતિમાં ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. આગામી દિવસોમાં ભારે વરસાદની ચેતવણીને લઇને તંત્ર સાબદુ બની ગયું છે. અમદાવાદ ઉપરાંત ગાંધીનગર, મહેસાણા, પાટણ, સાબરકાંઠા, બનાસકાંઠા, આણંદ, વડોદરા, નર્મદા, દમણ દાદરાનગર હવેલી, પંચમહાલ, અરવલ્લી, મહિસાગર, સુરત, ભરુચમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ થઇ શકે છે.
હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ જ મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક ભાગોમાં ભારે વરસાદ થયો હતો. આ વરસાદી માહોલ અકબંધ રહી શકે છે. બંગાળની ખાડીમાં સર્જાયેલું લો પ્રેશર છત્તીસગઢ અને ઓરિસ્સા સુધી પહોંચીને ડિપ્રેશનમાં ફેરવાયું છે, જે ૨૪ કલાકમાં આગળ વધીને ગુજરાત સુધી પહોંચશે. આ અપર એર સરક્યુલેશન સીસ્ટમ સર્જાતા ચોમાસુ સીસ્ટમ સક્રિય થતાં અમદાવાદ શહેર સહિત ગુજરાતના ઘણાખરા ભાગોમાં હજુ બે થી ત્રણ દિવસ સુધી ભારેથી અતિ ભારે વરસાદની આગાહી હવામાન ખાતા દ્વારા વ્યકત કરવામાં આવી છે.
તા.૧૭મી ઓગસ્ટના રોજ વલસાડ, નવસારી, ડાંગ, તાપી સહિતના પંથકોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી, જે મુજબ, એકંદરે વરસાદ નોંધાયો હતો. તો, તા.૧૮મી ઓગસ્ટે ડાંગ, તાપી, ભરૂચ, સુરત, વડોદરા, અમદાવાદ, ગીર-સોમનાથ, ઉત્તર ગુજરાતના ક્ષેત્રમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી વ્યકત કરવામાં આવી છે.
આ જ પ્રકારે તા.૧૯મી ઓગસ્ટે નવસારી, સુરત, ભરૂચ, ગીર-સોમનાથ, જૂનાગઢ, દ્વારકા, પોરબંદર અને જામનગર સહિતના પંથકોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.