અમદાવાદ : ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ગુરુવારના દિવસે એકાએક ઠંડીનો ચમકારો જોવા મળ્યો હતો. મોટાભાગના વિસ્તારોમાં લઘુત્તમ તાપમાનમાં જોરદાર ઘટાડો થયો હતો. હવામાન વિભાગના કહેવા મુજબ લઘુત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાયો હતો. છેલ્લા કેટલાક દિવસથી રાજ્યમાં જ્યાં સૌથી ઓછુ તાપમાન નોંધાયું છે તે નલિયામાં પારો વધુ ગગડીને ૧૧ સુધી પહોંચી ગયો હતો. બીજી બાજુ રાજ્યના અન્ય કેટલાક ભાગોમાં પારો ૧૨ અને ૧૩ ડિગ્રી વચ્ચે રહ્યો હતો. એકબાજુ કંડલા એરપોર્ટ ખાતે લઘુત્તમ તાપમાન ૧૨.૨ ડિગ્રી રહ્યું હતું જ્યારે ડિસામાં ૧૩.૨ અને ગાંધીનગરમાં ૧૩.૨ ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું.
એકાએક ઠંડીનો પારો વધી ગયો છે. અમદાવાદમાં પણ ગઇકાલની સરખામણીમાં લઘુત્તમ તાપમાન ઘટીને ૧૪.૩ ડિગ્રી થયું હતું. વહેલી સવારમાં અને મોડી રાત્રે ઠંડીનો અનુભવ થઇ રહ્યો છે. બપોરના ગાળામાં હજુ પણ લોકોને ઓછા પ્રમાણમાં ગરમીનો અનુભવ થઇ રહ્યો છે. આમ હવે ધીરેધીરે ઠંડી પોતાની અસર દેખાડતી જઇ રહી છે. ત્યારે આગામી દિવસોમાં હજુ પણ ઠંડીનો પારો વધુ નીચે સરકે તેવી આગાહી પણ વ્યકત કરાઇ છે ત્યારે શિયાળાની ઠંડીપ્રેમી નાગરિકો ખુશીની લાગણી વ્યકત કરી રહ્યા છે. મોટાભાગના લોકો મોડી રાત્રે ગરમ વસ્ત્રોમાં પણ નજરે પડવા લાગી ગયા છે. અમદાવાદ શહેરમાં વહેલી સવારથી જ લોકો ગરમ વસ્ત્રોમાં નજરે પડે છે. ફુલગુલાબી ઠંડીમાં વહેલી સવારમાં બાગ બગીચા હવે હાઉસફુલ નજરે પડી રહ્યા છે.
ફિટનેસ મેળવવા માટે જીમમાં જતા લોકોની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. હાલમાં મિશ્ર સિઝન હોવાના લીધે નાના બાળકો અને મોટી વયના લોકોને સાવધાન રહેવાનો પણ ગાળો છે. હાલમાં તબીબો પાસે જુદા જુદા પ્રકારના બેવડી સિઝનના ઈન્ફેકશન અને ફુડ પોઈઝનીંગના કેસો સાથે લોકો વધુ આવી રહ્યા છે. લઘુતમ અને મહત્તમ તાપમાનમાં હાલ ફેરફાર નહીં થાય તેમ માનવામાં આવે છે. આજે સવારે પણ ઠંડી નોંધાઇ હતી. જા કે બપોરના ગાળામાં સુર્યપ્રકાશ રહેતા લોકો મિશ્ર સિઝનનો અનુભવ કરી રહ્યા છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ હવે ઠંડીનો અનુભવ થવા લાગી ગયો છે. વિશેષ કરીને સવારમાં વધુ ઠંડીનો અનુભવ લોકો કરી રહ્યા છે. હવામાન વિભાગના કહેવા મુજબ આગામી બે ત્રણ દિવસ દરમિયાન લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થશે નહીં. જો કે, નલિયામાં ગઇકાલની સરખામણીમાં આજે તાપમાનમાં ઉલ્લેખનીયરીતે ઘટ્યો હતો. હજુ નલિયામાં પારો ગગડે તેવા સંકેત છે.