અમદાવાદઃ હાલ ચાલી રહેલા પવિત્ર પુરૂષોત્તમ માસમાં ભક્તો ભક્તિમાં લીન જોવા મળી રહ્યાં છે. આ પવિત્ર માસ દરમિયાન સમગ્ર શહેરમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો આયોજિત થઇ રહ્યાં છે, ત્યારે શહેરના ઈસનપુર વિસ્તારમાં આવેલા વિશાલનગર પ્રસિદ્ધિ સોસાયટી ખાતે “ભાગવત સપ્તાહ કથા જ્ઞાનયજ્ઞ”નું આયોજન કરવામાં આવ્યું હતુ. આ ભાગવત સપ્તાહના આયોજક તરીકે મહાસુખભાઈ દરજીએ સેવા આપી હતી.
વિશાલનગર પ્રસિદ્ધિ સોસાયટીના નવું અંબાજી માતા મંદિરના કોમન પ્લોટમાં 7 ઑગસ્ટથી 13 ઑગસ્ટ સુધી “ભાગવત સપ્તાહ કથા જ્ઞાનયજ્ઞ”નું આયોજન કરવામાં આવ્યું હતુ. જાણીતા ગણેશ ઉપાસક પંકજભાઈ ભટ્ટ (કોઠ-ગણેશપુરા)એ વ્યાસ પીઠ પરથી સૌ ભક્તજનોને કથાનું રસપાન કરાવ્યું હતુ. આ સપ્તાહ દરમિયાન હજારો ભાવિકોએ ખૂબ જ ઉત્સાહથી ભાગ લીધો હતો. આ સપ્તાહ દરમિયાન કૃષ્ણ જન્મોસ્તવ, કૃષ્ણ-રૂકમણી વિવાહ અને ભાગવાનના વામન અવતાર જેવા વિવિધ ધાર્મિક પ્રસંગોની ઉજવણી ભારે ઉત્સાહ સાથે કરવામાં આવી હતી. આ સપ્તાહ દરમિયાન સમગ્ર વિશાલનગરનું વાતાવરણ ધાર્મિક રંગે રંગાયેલું જોવા મળ્યું હતુ.